અમદાવાદઃ રશિયા સાથેના સંબંધોને લઈને અમેરિકાએ ભારત પર 50 ટકા ટેરિફ લાદી દીધો છે, જે બુધવારથી અમલી પણ બની ગયો છે. આવા સમયે ભારત અને જાપાન વચ્ચે એક મોટો કરાર થવા જઈ રહ્યો છે, જેના પર અમેરિકા પણ નજર રાખી રહ્યું છે. જાપાને ભારતને લઈને એક મોટી જાહેરાત કરી છે, જે મુજબ જાપાન આગામી 10 વર્ષમાં ભારતમાં 10 ટ્રિલિયન યેન (લગભગ 68 બિલિયન ડોલર)નું રોકાણ કરશે, જે બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવશે.
આ જાહેરાત જાપાનના વડાપ્રધાન શિગેરુ ઇશિબા દ્વારા શુક્રવારથી શરૂ થઈ રહેલી ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની શિખર બેઠક દરમિયાન કરાશે. આ સમિટમાં બંને દેશો 17 વર્ષમાં પ્રથમ વખત સુરક્ષા સહયોગ પર સંયુક્ત ઘોષણામાં સુધારો કરશે, જે બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવશે. નિક્કી એશિયાના એક અહેવાલ મુજબ, આ રોકાણ જાપાની કંપનીઓને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) અને સેમિકંડક્ટર જેવાં ક્ષેત્રે વિસ્તરણ કરવામાં મદદ કરશે. આ રોકાણ આઠ ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરશે, જેમ કે ગતિશીલતા, પર્યાવરણ, આરોગ્ય, જેના દ્વારા ઔદ્યોગિક અને ટેકનિકલ સહયોગને પ્રોત્સાહન અપાશે.