નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાનના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (ડીજીએમઓ) વચ્ચે સોમવારે સાંજે વિસ્તૃત ચર્ચા થઈ હતી. બંને દેશ વચ્ચે તણાવ ઘટાડવા અને સૈન્ય કાર્યવાહી અટકાવવા બાબતે સંમતિ બાદ સરહદ અને ફોરવર્ડ એરિયામાંથી સશસ્ત્ર દળો ઘટાડવાની ખાતરી પરસ્પર અપાઈ હતી. આ દિશામાં તાત્કાલિક પગલાં લેવા બાબતે પણ ચર્ચા થઈ હતી. તમામ સૈન્ય કાર્યવાહી રોકવા સંમતિ બાદ ભારત અને પાકિસ્તાનના ડીજીએમઓ વચ્ચે હોટલાઈન પર 45 મિનિટ લાંબી વાત થઈ હતી. ભારત-પાકિસ્તાન વચ્ચે ચાર દિવસ ભીષણ અથડામણો થઈ હતી, જેમાં બંને દેશ દ્વારા ડ્રોન, મિસાઈલ, લાંબા અંતરના શસ્ત્રો અને હવાઈ હુમલા થયા હતા. ભારતીય સૈન્યની યાદી મુજબ, સોમવારે સાંજે પાંચ વાગ્યે બંને દેશના ડીજીએમઓ વચ્ચે વાતચીત થઈ હતી. શસ્ત્રવિરામ માટે અપાયેલી ખાતરીનું પાલન કરતાં બંને દેશ તરફથી એક પણ ગોળી નહીં ચાલે અને પરસ્પર આક્રમક કાર્યવાહી ન થાય તે બાબતે ચર્ચા થઈ હતી. બંને દેશે સરહદ પર તૈનાત સૈન્યમાં તાત્કાલિક અસરથી ઘટાડો કરવા માટે પણ સંમતિ આપી હતી.