નવી દિલ્હીઃ ભારતમાં પશ્ચિમ બંગાળની રાજધાની કોલકતાથી બાંગ્લાદેશનાં ખુલના વચ્ચે અઠવાડિયામાં એક વખત દોડનારી બંધન એક્સપ્રેસ ટ્રેનને વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમજ બાંગ્લાદેશના વડાં પ્રધાન શેખ હસીના અને બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ લીલી ઝંડી આપીને શરૂ કરી હતી. આ ટ્રેન શરૂ થવાથી બંને દેશો વચ્ચેના સંબંધો નવા બંધનથી બંધાશે તેવી આશા વ્યક્ત કરાઈ હતી. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ટ્રેનને ગ્રીન સિગ્નલ આપવામાં આવ્યું હતું. બાંગ્લાદેશ આઝાદ થયો તે પછી બંને દેશો વચ્ચેના જે રૂટ પરથી અવરજવર બંધ થઈ હતી તે ઐતિહાસિક રૂટને આ ટ્રેન મારફતે ફરી ખુલ્લો મુકાયો છે. આ પ્રસંગે મોદીએ કહ્યું હતું કે, આ નવા પ્રયાસ સાથે જ ભારતનાં અને ખાસ કરીને પશ્ચિમ બંગાળનાં લોકોના બાંગ્લાદેશની પ્રજા સાથેના સદીઓ જૂના ઐતિહાસિક સંબંધો ફરી શરૂ થવાની નવી દિશા ખુલી છે. મૈત્રીનું આ બંધન વધુ મજબૂત થયું છે.