નવી દિલ્હીઃ ભારત અને બ્રાઝિલ વચ્ચે વ્યાપાર સમજૂતિ પર મહોર લાગી ગઇ છે. શનિવારે હૈદરાબાદ હાઉસ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રાઝિલના પ્રેસિડેન્ટ લુઈસ ઈનાસિયો લૂલા દ સિલ્વા વચ્ચે લાંબા વાટાઘાટો બાદ આ વ્યાપાર સોદો ફાઇનલ થયો છે.
વિદેશ મંત્રાલયે જણાવ્યા અનુસાર બન્ને નેતાઓ વચ્ચે થયેલી વાતચીતમાં ટ્રેડ, એનર્જી, ડિફેન્સ, એગ્રીકલ્ચર, ક્લાઈમેટ એક્શન, ટેકનોલોજી, એઆઈ, સેમીકન્ડક્ટર, જરૂરી મિનરલ્સ તથા ગ્લોબલ સાઉથ કો-ઓપરેશનમાં ભારત-બ્રાઝિલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપને મજબૂત કરવા પર ફોકસ રહ્યું હતું. બન્ને નેતાઓએ મલ્ટિપોલર વર્લ્ડ ઓર્ડર માટેના પોતાના વિઝનનો પુનરોચ્ચાર કર્યો હતો.
ભારત અને બ્રાઝિલ વચ્ચે ક્રિટિકલ મિનરલ્સ અને રેર અર્થ એલિમેન્ટ્સને લઈને સમજુતિ થઈ છે. પીએમ મોદીએ જણાવ્યું હતું કે આ સમજુતી મજબૂત સપ્લાઈ ચેઈન બનાવવાની દિશામાં એક મોટું પગલું છે. તેમણે જણાવ્યું હતું કે ભારત અને બાઝિલ આગામી પાંચ વર્ષમાં દ્વિપક્ષિય વ્યાપારને 20 બિલિયન ડોલરથી વધુ કરવાનું લક્ષ્ય ધરાવે છે.
ભારતીયો માટે બિઝનેસ વિઝામાં 10 વર્ષનો વધારો
બ્રાઝિલે ભારતીય પાસપોર્ટ હોલ્ડર્સ માટે બિઝનેસ વિઝા 10 વર્ષ માટે વધારી દીધા છે. તેને પરિણામે બ્રાઝિલમાં બિઝનેસ કરનારા ભારતીયોને સરળતા રહેશે. તેને કારણે ઇકોનોમિક અને કોમર્શિયલ સંબંધ વધારે મજબૂત થશે.
પીએમ મોદીએ જણાવ્યું હતું કે લેટિન અમેરિકામાં ભારતનું સૌથી મોટું ટ્રેડિંગ બ્રાઝિલ છે. બન્ને દેશ વચ્ચેનો વ્યાપાર ફક્ત એક આંકડો નથી પણ ભરોસાની ઝલક છે.


