નવી દિલ્હી: ભારતના રશિયા સાથેના વેપારથી અમેરિકન પ્રમુખ ટ્રમ્પ એવા અકળાયા છે કે તેમણે ભારત પર 25 ટકા ટેરિફ લગાવ્યો છે. હવે કોઈને પણ થાય કે ભારતનો રશિયા સાથે એવો તે કેવો કારોબાર હશે કે ટ્રમ્પ અકળાઈ ગયા છે.
ભારત માટે રશિયા ફક્ત શસ્ત્ર પુરવઠો પૂરો પાડનાર જ નહીં પણ મહત્ત્વનું સંરક્ષણ ભાગીદાર પણ રહ્યું છે. 2019થી 2023માં ભારતના શસ્ત્રોની કુલ આયાતમાં રશિયાનો હિસ્સો 49 ટકા રહ્યો હતો. બંને દેશ વચ્ચેનો સંરક્ષણ વ્યાપાર વાર્ષિક 24 હજાર કરોડ રૂપિયાનો છે. ભારત-રશિયા વચ્ચે 2024માં દ્વિપક્ષીય વેપાર 68.7 બિલિયન ડોલરનો હતો. તેમા ડિફેન્સની સાથે ઓઇલનો પણ મોટાપાયા પર ફાળો છે. ભારતીય હવાઈદળમાં આજે પણ લગભગ 260 જેટલા સુખોઈ એમકેઆઈ જેટ છે, જે રશિયા પાસેથી ખરીદાયા છે. આ ઉપરાંત મિગ-29 અને મિગ-21 જેવા લડાકુ વિમાન પણ છે. ભારતે 2018માં અમેરિકાના ભારે વિરોધ વચ્ચે રશિયા પાસેથી અત્યાધુનિક ગણાતી એસ-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ખરીદી છે, જે પાક. સામેના યુદ્ધમાં કામ આવી હતી. આ સિવાય હજારથી વધારે ટી-90 ટેન્ક છે જે રશિયા પાસેથી ખરીદાઇ છે. ભારતીય નૌકાદળની બધી સબમરીનો રશિયા પાસેથી ખરીદાઇ છે. આ ઉપરાંત ભારતે રશિયા સાથે મળીને બ્રહ્મોસ મિસાઇલ પણ વિકસાવ્યું છે. આ ઉપરાંત ભારતે 2019માં ભારતે રશિયા પાસેથી 7.5 લાખ એકે-203 રાઇફલ ખરીદવાનો સોદો કર્યો, જેમા 70 હજાર જ રશિયાથી આવી. બાકી ભારતમાં બની રહી છે. રશિયા ભારતને ફક્ત શસ્ત્રો પૂરા પાડે છે તેવું નથી, પણ સ્પેરપાર્ટ્સ, મેઇન્ટેનન્સ અને ટેકનોલોજી ટ્રાન્સફર પણ પૂરુ પાડે છે. અમેરિકા ભારતને ટેકનોલોજી ટ્રાન્સફર કરતું નથી. આ ઉપરાંત ભારત રશિયા પાસેથી મોટાપાયા પર ઓઇલ ખરીદી રહ્યુ છે.
ભારત સાથેના સંબંધો નબળા નહીં પાડી શકોઃ રશિયા
ભારત ઉપર ટેરિફ નાખવાના અમેરિકી પ્રમુખના નિર્ણય અંગે નારાજગી વ્યક્ત કરતા રશિયાએ અમેરિકા સહિત પશ્ચિમી દેશોને ઝાટક્યા છે. રશિયાએ કહ્યું કે પશ્ચિમના દેશો ભારત સાથે સંબંધો ખરાબ કરવા પર ઉતરી આવ્યા છે. ભારત ખાતેના રશિયન રાજદૂત અલીપોવે જણાવ્યું કે અમેરિકા અને ઇયુએ સાબિત કરી દીધું કે હવે તેમના પર ભરોસો કરી શકાય તેમ નથી. તેમને ભલે લાગતું હોય કે ભારત વિરુદ્ધ આવું પગલું ભરીને તેઓ ભારત-રશિયા સંબંધો નબળા પાડી શકે છે પરંતુ તેમના આ મનસૂબા સફળ નહીં થાય. નોંધનીય છે કે અમેરિકાએ ભારત ઉપર 25 ટકા ટેરિફ નાખ્યા છે તો બીજી તરફ ઇયુએ વાડીનાર રિફાઈનરી પર પ્રતિબંધો લાદ્યા છે, જે રિફાઈનરીમાં રશિયા પણ ભાગીદાર છે.