બ્રાતિસ્લાવા: સ્લોવાકિયાનાં બે દિવસનાં પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્લોવાકિયાનાં વડાપ્રધાન રોબર્ટ ફિકો વચ્ચે દ્વિપક્ષીય મંત્રણા યોજવામાં આવી હતી. બંને નેતાઓએ સ્પેસ, બિઝનેસ અને ડિફેન્સ સહિત અનેક ક્ષેત્રે મહત્વનાં કરાર કર્યા હતા. મોદીએ કહ્યું હતું કે ભારત અને સ્લોવાકિયા વચ્ચેનાં સંબંધોનો આધાર આધુનિક ટેકનોલોજી છે. બંને નેતાઓએ બાતિસ્લાવા કેસલમાં દ્વિપક્ષીય મંત્રણા કરી હતી અને સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું હતું.
વડાપ્રધાન મોદીએ તેમનાં સ્લોવાકિયા પ્રવાસને ઐતિહાસિક અને યાદગાર ગણાવ્યો હતો. ભારત અને ઈયુ વચ્ચેનાં ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને અંતિમ રૂપ આપવામાં સ્લોવાકિયાની મદદ માટે આભાર પણ વ્યકત કર્યો હતો. બંને નેતાઓએ પરસ્પર સહયોગને નવી દિશા અને નવી ગતિ આપવા ચર્ચા કરી હતી. મોદીએ ફિકોને ભારતનાં સાચા મિત્ર ગણાવ્યા હતા. મોદી સ્લોવાકિયા જનારા ભારતનાં સૌથી પહેલા પીએમ છે.
ડિજિટલ ક્ષેત્રે સહયોગની નવી તકો
ભારત અને ઈયુ વચ્ચેના મુક્ત વેપાર કરારનો જલદીથી અમલ કરાશે તેમ મોદીએ કહ્યું હતું. બંને દેશોને આને કારણે ઉદ્યોગો, સ્ટાર્ટ અપ્સ અને ટ્રેડનો વધુમાં વધુ લાભ મળી શકશે. ડિજિટલ ટેકનોલોજી કરારને કારણે ડિજિટલ પબ્લિક ઈન્ફ્રામાં સહયોગની નવી તકો સર્જાશે તેમ કહ્યું હતું. મોદીએ સ્લોવાકિયાની એક યુનિવર્સિટીમાં AI ઈન્ડિયા વેન્ચરની સ્થાપનાને આવકાર્યુ હતું. AI માનવતાની સેવા અને પ્રગતિનું સશક્ત માધ્યમ બનશે. AIથી ભવિષ્યમાં ઈનોવેશન, વિશ્વાસ, રિસ્પોન્સિબિલિટી અને માનવીય ગૌરવ આધારિત હોવું જોઈએ તેવી તરફેણ કરી હતી. મોદીએ કહ્યું કે સિવિલ ન્યૂક્લિયર એનર્જી બંને દેશો માટે મુખ્ય પ્રાથમિકતા છે. બંને દેશોએ ઉદ્યોગો અને નિષ્ણાતો વચ્ચે સહયોગ વધારવા ભાર મુકાયો હતો. સંરક્ષણ સહયોગ બંને દેશો વચ્ચે ઉંડા વિશ્વાસ અને સ્ટ્રેટેજિક કન્વર્ઝન્સનું પ્રમાણ છે. બંને દેશો વચ્ચે સાંસ્કૃતિક અને માનવીઓના સબંધોને વધુ મજબૂત કરાશે.


