ભારતની ડિપ્લોમેટિક સ્ટ્રાઈકઃ સિંધુ જળસંધિ સ્થગિત, અટારી બોર્ડર બંધ

Friday 02nd May 2025 06:44 EDT
 
 

નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં પર્યટકો પર થયેલા ભીષણ આતંકવાદી હુમલા બાદ ભારત સરકાર પાક. વિરુદ્ધ એક્શનમાં આવી ગઇ હતી. ભારતે પાકિસ્તાન પર ડિપ્લોમેટિક સ્ટ્રાઈક કરી હતી. પાકિસ્તાનને તેની કરણીનો જડબાતોડ જવાબ વાળવા માટે ભારત સરકારે પાંચ એવા નિર્ણય લીધા છે જેના કારણે ભિખારી પાકિસ્તાનની સ્થિતિ વધુ કંગાળ બનશે.
વડાપ્રધાન મોદીના નેતૃત્વ હેઠળ બુધવારે સાંજે કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી (સીસીએસની) બેઠક મળી હતી જેમાં પાકિસ્તાનની નાપાક આ હરકતનો જવાબ વાળવા મુદ્દે ગંભીર મંથન કરાયું હતું. લગભગ અઢી કલાક સુધી ચાલેલી બેઠક બાદ વિદેશ મંત્રાલય દ્વારા બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયોની જાહેરાત કરવામાં આવી હતી.
વિદેશ મંત્રાલય દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને આ નિર્ણયોની માહિતી અપાઈ હતી. સરકારે પહલગામ હુમલા મુદ્દે એક સર્વપક્ષીય બેઠક બોલાવવાનો પણ નિર્ણય કર્યો છે. પાકિસ્તાનને તેની ભાષામાં જ જવાબ આપવા ભારતે પાંચ મહત્ત્વના નિર્ણય લીધા છે જેમાં સેનાને હાઈએલર્ટ પર રહેવાના નિર્દેશનો પણ સમાવેશ થાય છે.
ભારતે લીધેલા મહત્ત્વપૂર્ણ નિર્ણય
• પાક. નાગરિકોને અપાયેલી સાર્ક વિઝા રાહત બંધ • પાક. નાગરિકોને ભારત છોડવાનો આદેશ • સેનાની ત્રણેય પાંખને હાઇ એલર્ટ પર રહેવાનો નિર્દેશ • પાકિસ્તાની રાજદ્વારીઓની સંખ્યામાં ઘટાડો • પાક. સ્થિત ભારતીય હાઇ કમિશનમાંથી સંરક્ષણ સલાહકારો પરત • હાલમાં હાઈકમિશનના સ્ટાફની સંખ્યા 55ની છે, તેમાં વધુ ઘટાડો કરાશે


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter