નવી દિલ્હી: અમેરિકાની સાથે વિવાદો વચ્ચે ઈરાનના પ્રમુખ બ્રિક્સ સમિટ માટે ભારતની મુલાકાતે આવ્યા હતા, ભારતની ધરતી પરથી તેમણે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો ઉધડો લીધો હતો. સાથે બ્રિક્સ દેશોને ડોલર છોડીને નેશનલ કરન્સીમાં વેપાર વધારવાનું આહ્વાન કર્યું હતું. આ ઉપરાંત હોર્મુઝ ખાડી ખોલવાના સંકેતો પણ આપ્યા હતા.
ઈરાનના પ્રમુખ મસૂદ પેઝેશ્કિયાને રવિવારે બ્રિક્સ સમિટમાં કહ્યું હતું કે પશ્ચિમી તાકાતો દ્વારા જે પણ પ્રતિબંધો લગાવાઇ રહ્યા છે તેને કારણે વૈશ્વિક ખાદ્ય સુરક્ષા અને લોકોની સુખાકારી પર ભયાનક અસર પડી રહી છે. ઈરાન પર તાજેતરમાં જ અમેરિકા દ્વારા આકરા પ્રતિબંધો મુકાયા છે. ઈરાનના ક્રૂડ ઓઈલને હોર્મુઝમાંથી અન્ય દેશો સુધી જતું રોકવા અમેરિકાએ પોતાનું સૈન્ય ખડકી દીધુ છે એવા સમયે ઈરાનના પ્રમુખે બ્રિક્સ દેશોના મંચ પરથી આ નિવેદન આપ્યું હતું.અમેરિકા અને ઈઝરાયેલના હુમલાને લઈને ઈરાનના પ્રમુખે કહ્યું હતું કે ઈરાને વર્ષોસુધી જે માળખું તૈયાર કર્યું હતું તેનો સોંથ વાળી દેવામાં આવ્યો છે, ઈરાનના નાગરિકોએ ભારે કિંમત ચુકવવી પડી રહી છે. નાગરિકો પર હુમલાને રોકવા અને તેની સુરક્ષા માટે યોગ્ય પગલા લેવા તે આંતરરાષ્ટ્રીય કોમ્યુનિટીની જવાબદારી છે.આ સાથે જ બ્રિક્સ સમિટનું આયોજન કરવા બદલ ઈરાનના પ્રમુખે ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ તેમણે હોર્મુઝ ખાડીને લઈને પણ મહત્ત્વનો સંકેત આપ્યો હતો.


