ભારતની પહેલી ઇ-એર ટેક્સીઃ ૧૬૦ કિમીની સ્પીડ, સિંગલ ચાર્જમાં ૨૦૦ કિમી

આ ઇ-એર ટેક્સી ઇમારતની છત પરથી પણ ટેકઓફ કરી શકશે

Wednesday 02nd March 2022 07:00 EST
 
 

દુબઇ: યુએઇના મહાનગર દુબઇમાં ચાલી રહેલા એક્સ્પો 2020ના ઇનોવેશન હબમાં ઇન્ડિયા પેવેલિયન ખાતે ભારતની પહેલી ઇ-એર ટેક્સી લોન્ચ કરાઇ છે. આ ઇ-એર ટેક્સીથી ભવિષ્યમાં શહેરોની અંદર અવર-જવર થઇ શકશે. આ ઇ-એર ટેક્સીનું નિર્માણ ભારતીય મૂળની કંપની ઇ-પ્લેને કર્યું છે. તાજેતરમાં, તેના પ્રોટોટાઇપનું પરીક્ષણ પણ થઇ ચૂક્યું છે.
આઠ પ્રોપેલરથી સજ્જ આ ઇ-પ્લેનમાં બે યાત્રીઓ પ્રવાસ કરી શકે છે. લોકોને પોતાના ઘરથી ગંતવ્ય સ્થળ સુધી પ્રદૂષણ વગર, ઓછા સમયમાં અને સુરક્ષિત રીતે પહોંચાડવા માટે આ ઇ-એર ટેક્સી ક્રાંતિકારી એર ટ્રાન્સપોર્ટ સિસ્ટમ સાબિત થશે. એક વાર ફૂલ ચાર્જ થયા બાદ આ ઇ-એર ટેક્સી 160 કિમી પ્રતિ કલાકની ઝડપે 1500 ફૂટ સુધીની ઊંચાઇ તેમજ 200 કિમી સુધીનું અંતર કવર કરી શકે છે. કંપનીના ઓપરેશન લીડર દિવ્યા માનચંદાના કહેવા અનુસાર, કંપની શહેરમાં અવર-જવર અને કાર્ગો ટ્રાન્સપોર્ટ માટે ઇલેક્ટ્રિક એર ટ્રાન્સપોર્ટ સિસ્ટમ વિકસિત કરવાની દિશામાં કામ કરી રહી છે. માત્ર ચાર બાય ચાર મીટરનું કદ ધરાવતી આ ઇ-એર ટેક્સીના ટેક-ઓફ કે લેન્ડીંગ માટે કોઇ વિશેષ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પણ જરૂર નથી. તે ઇમારતની છત પરથી પણ ટેકઓફ કરી શકશે. દિવ્યા માનચંદાએ જણાવ્યું હતું કે આ એર ટેક્સી સંપૂર્ણપણે બેટરીથી સંચાલિત છે તેમજ કોઇ પણ ઇમારતથી ઉડાન ભરવા માટે સક્ષમ છે. એકદમ નાનું કદ ધરાવતી આ ઇ-એર ટેક્સી શહેરોમાં ટ્રાફિકના પડકારોને હલ કરવા માટે લાભકારક નિવડશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter