નવી દિલ્હીઃ ભારતે વૈશ્વિક વેપાર મોરચે વધુ એક વ્યૂહાત્મક સફળતા મેળવી છે. ભારતે ઓમાન સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (એફટીએ) થયાના એક જ સપ્તાહમાં હવે ન્યૂઝીલેન્ડ સાથે મુક્ત વેપાર કરારની જાહેરાત કરી છે. ન્યૂઝીલેન્ડના વડા પ્રધાન ક્રિસ્ટોફર લક્સન અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે દ્વિપક્ષીય સંબંધો પર ટેલિફોનિક વાતચીત બાદ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ માટે સફળ અને ઐતિહાસિક સમજૂતી થયાની જાહેરાત કરી હતી. બન્ને નેતાઓએ આ કરારને પરસ્પર લાભદાયી અને ભવિષ્યની દિશા નક્કી કરનાર સમજૂતી ગણાવતા કહ્યું હતું કે આ કરાર બંને દેશોના આર્થિક સંબંધોને નવી ઊંચાઈ આપશે.
9 માસમાં ઐતિહાસિક કરાર તૈયાર
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે એફટીએ પર વાતચીતની શરૂઆત માર્ચ 2025માં થઈ હતી, જ્યારે ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી લક્સન ભારતના પ્રવાસે આવ્યા હતા. તેમના ભારત પ્રવાસના માત્ર 9 મહિનાના સમયમાં ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટનું પૂરું થવું એ બંને દેશો વચ્ચેની રાજકીય ઇચ્છાશક્તિ અને વ્યૂહાત્મક સમજને છતી કરે છે.
5 વર્ષમાં વેપાર બમણો કરવાનું લક્ષ્ય
બંને નેતાઓએ સહમતી દર્શાવી છે કે, એફટીએ લાગુ થયા પછી આવનારા 5 વર્ષમાં દ્વિપક્ષીય વેપાર બમણો થઈ જશે. આનાથી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વેપાર, રોકાણ અને સપ્લાય ચેઇનને વેગ મળશે. સમજૂતી કરાર અંતર્ગત ન્યૂઝીલેન્ડ 15 વર્ષોમાં ભારતમાં 20 મિલિયન ડોલર સુધીનું રોકાણ કરશે. આ રોકાણ કૃષિ, ડેરી, ફૂડ પ્રોસેસિંગ, શિક્ષા, ટેક્નોલોજી અને સ્ટાર્ટઅપ જેવા ફિલ્ડમાં નવી તક ઊભી કરશે.
ભારતનો સાતમો મોટો ફ્રી ટ્રેડ કરાર
ન્યૂઝીલેન્ડ સાથે આ એગ્રીમેન્ટ છેલ્લાં કેટલાક વર્ષોમાં ભારત માટે સાતમો મુખ્ય એફટીએ છે. આ પહેલાં ભારત ઓમાન, યુએઈ, યુકે, ઓસ્ટ્રેલિયા, મોરેશિયસ અને યુરોપીય ફ્રી ટ્રેડ બ્લોક (EFTA દેશો) સાથે આવા બિઝનેસ એગ્રીમેન્ટ કરી ચૂક્યું છે. આ અભિગમ દર્શાવે છે કે ભારત ઝડપથી વૈશ્વિક વેપાર કેન્દ્રના રૂપમાં ઊભરી રહ્યું છે.
•••
ભારત-ઓમાનઃ આર્થિક સંબંધમાં નવો અધ્યાય
ભારત અને ઓમાન વચ્ચે ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર સહી થતાં બંને દેશોના આર્થિક સંબંધોમાં નવો અધ્યાય શરૂ થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 18 ડિસેમ્બરે ઓમાનના સુલ્તાન હૈથમ બિન તારિક અલ સઇદ સાથે મુલાકાત કરી હતી, જ્યાં દ્વિપક્ષીય સહયોગ, વેપાર અને રોકાણને નવી ઊંચાઈ આપવાના મુદ્દા પર વિસ્તૃત ચર્ચા કરાઈ. આ મહત્ત્વપૂર્ણ બેઠક દરમિયાન બંને દેશોએ ફ્રી ટ્રેડ ડીલ પર સહી કરી, જેને ભારતના નિકાસ ક્ષેત્ર માટે ગેમ ચેન્જર તરીકે જોવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે ઓમાન પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદીને સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઓફ ઓમાનથી સન્માનિત કરાયા હતા.
આ કરાર બાદ ભારતનાં અનેક શ્રમપ્રધાન ક્ષેત્રોને મોટો ફાયદો થવાની આશા છે. ખાસ કરીને કાપડ, ચામડાં, જૂતાં, રત્ન-આભૂષણ, એન્જિનિયરિંગ ઉત્પાદનો, પ્લાસ્ટિક, ફર્નિચર, કૃષિ ઉત્પાદનો, દવાઓ, મેડિકલ ડિવાઇસ અને ઓટો મોબાઇલ સેક્ટર માટે ઓમાનનું બજાર વધુ ખુલ્લું બનશે. વેપાર નિષ્ણાતોના મતે આ કરારથી ભારતની નિકાસ ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે અને સ્થાનિક ઉદ્યોગોને વૈશ્વિક સ્તરે વધુ સ્પર્ધાત્મક બનાવશે.


