ભારતનો આક્રમક અભિગમઃ ચીન સરહદે વધુ ૫૦ હજાર સૈનિક અને યુદ્ધવિમાનો તૈનાત કર્યાં

Thursday 01st July 2021 06:54 EDT
 
 

નવી દિલ્હી: ભારતે ચીન સરહદે વધુ ૫૦ હજાર સૈનિક તૈનાત કરી દીધા છે. ન્યૂઝ એજન્સી બ્લૂમબર્ગે ભારતના આ પગલાંને ઐતિહાસિક કહેતાં જણાવ્યું છે કે ભારતે વીતેલા કેટલાક મહિના દરમિયાન ચીનની સરહદે આવેલા આ ત્રણ અલગ અલગ જિલ્લામાં સૈન્ય ટુકડીઓ અને યુદ્ધ વિમાનોને તૈનાત કરી દીધા છે. પરમાણુ શસ્ત્રોથી સજ્જ બંને દેશો વચ્ચેની તંગદિલી વચ્ચે ચીન સરહદ પર નજર રાખવા ભારતે અત્યાર સુધીમાં અંદાજે બે લાખ સૈનિકો તૈનાત કરી દીધા છે. ગયા વર્ષના મુકાબલે ૪૦ ટકા વધુ સૈનિકો તૈનાત થઈ ચૂક્યા છે.
સુરક્ષા નિષ્ણાતોના મતે, ગલવાન હિંસા પછી ચીન સામેના ભારતના વ્યહૂો બદલાયા છે. ૧૫ જૂને પૂર્વ લદ્દાખની ગલવાન ખીણમાં ચીની સૈનિકોએ દગા સાથે ભારતીય સૈનિકો પર હુમલો કર્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્યારથી પાકિસ્તાન સાથેનો મામલો ઠંડો રાખીને ચીન સરહદે ફોક્સ વધારવાના વ્યૂહ અપનાવ્યા છે. પાકિસ્તાન સરહદે કાઉન્ટર ટેરરિઝમ ઝુંબેશ માટે તૈનાત થયેલા ૨૦ હજાર સૈનિકોનું શિફ્ટિંગ તે સ્થાને થયું છે કે જ્યાં ગયા વર્ષે ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અથડામણ સર્જાઈ હતી. ચીનની સરહદે આવેલા લદ્દાખ જ નહીં, પરંતુ નેપાળ અને ભૂતાન વચ્ચેના દક્ષિણ તિબેટના પ્રદેશો નજીક અને અરુણાચલ સરહદે પણ ભારતીય જવાનોની તૈનાતી વધી છે. રાફેલ વિમાનો પણ ભારતની તાકાતમાં વધારો કરી ચૂક્યા છે.
એક ખીણથી બીજા ખીણપ્રદેશ સુધી તૈનાતી
ભારત અગાઉ પણ સરહદે ચીની અતિક્રમણને અટકાવવા સૈનિકોની તૈનાતી કરતું આવ્યું છે, પરંતુ હવે સૈનિકો અને હથિયારોની સંખ્યા વધારીને જવાબી હુમલો કરીને ચીના સરહદમાં પ્રવેશવાની ક્ષમતા પણ ભારતે હાંસલ કરી લીધી છે. અર્થાત્ ભારત ઓફેન્સિવ ડિફેન્સ વ્યૂહ સાથે આગળ વધી રહ્યું છે. સૂત્રોનું કહેવું છે કે ભારત હવે ચીન વિરુદ્ધ ઓફેન્સિવ ડિફેન્સ વ્યૂહ અપનાવવામાં પીછેહઠ નહીં કરે. તે હેતુસર સરહદે એક ખીણથી બીજા ખીણ પ્રદેશ સુધી તહેનાતી કરાઈ છે.
ચીનની પણ ચાલાકી સાથે આગેકૂચ
ભારત એ હકીકત જાણે છે કે પીપલ્સ લિબરેશન આર્મીએ તાજેતરમાં જ તિબેટથી ચીની સૈનિકોની શિનજિયાંગ મિલિટ્રી કમાન્ડ ખાતે તૈનાતી કરી છે. આ કમાન્ડ ભારત સાથેના વિવાદિત પ્રદેશના પેટ્રોલિંગની જવાબદારી સંભાળે છે. ચીન હાલમાં સરહદી વિવાદ ધરાવતા વિસ્તારો નજીક યુદ્ધ વિમાનો માટે રનવે, બોમ્બ પ્રૂફ બંકર્સ અને એરફિલ્ડ ઊભા કરી રહ્યું છે. ટેન્ક, રોકેટ રેજિમેન્ટ, ફાઇટર જેટ્સની તૈનાતી પણ થઈ રહી છે.
શું આ સંઘર્ષ ખતરનાક સ્તરે પહોંચશે?
ગયા વર્ષે દરિયાઇ સપાટીથી ૧૪ હજાર ફૂટની ઊંચાઈએ પેન્ગોંગ ત્સો સરોવરના તટવર્તી પ્રદેશમાં ચીની સૈન્ય સાથે અથડામણ સર્જાઈ તે પછી પરમાણુ શસ્ત્રોથી સજજ બંને દેશો વચ્ચે તંગદિલી વધી રહી છે. લદ્દાખના ઉત્તરીય વિસ્તારોમાં બંને પક્ષે સૈન્ય તૈનાતી ખૂબ મોટા પ્રમાણમાં વધારી દીધી છે. એક નાનકડી ચિનગારી પણ સંઘર્ષને ખતરનાક સ્તરે પહોંચાડી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter