ભારતમાં યુકે, યુએસ સહિત ૯૯ દેશોના પ્રવાસીને હવે ક્વોરન્ટાઇનમુક્ત પ્રવેશ

Saturday 20th November 2021 05:26 EST
 
 

નવી દિલ્હી: ભારત સરકારે અમેરિકા, બ્રિટન, યુએઇ, કતાર, ફ્રાન્સ અને જર્મની સહિતના ૯૯ જેટલા દેશોના પ્રવાસીઓને ભારતમાં પ્રવેશવાની મંજૂરી આપી દીધી છે. કોરોનાની સ્થિતિ હળવી થવાથી ભારત સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ભારતે ગત વર્ષે માર્ચમાં વિઝિટર વિઝા ઉપર પ્રતિબંધ મૂકી દીધો હતો અને અંદાજે ૧૮ મહિના પછી ઓક્ટોબરથી કડક શરતોને આધિન વિદેશી પ્રવાસીઓને ભારતમાં પ્રવેશ આપવાની શરૂઆત કરાઈ હતી. હવે ૯૯ દેશોના લોકોને ભારતમાં પ્રવેશ મળશે. અલબત્ત ભારત પહોંચતા પૂર્વે તેમણે ફુલ્લી વેક્સિનેટેડ હોવાનું સર્ટિફિકેટ આપવું પડશે. આવી કેટલીક શરતોને આધિન રહીને ભારત આવનારને ક્વોરન્ટાઈન થવું પડશે નહીં.
બીજી તરફ તુર્કીએ સોમવારે નિયમો હળવા કરતા જાહેરાત કરી હતી કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબલ્યુએચઓ) માન્યતા પ્રાપ્ત રસીના બંને ડોઝ લીધેલા ભારતીયો અને નેપાળના લોકોને હવે ૧૪ દિવસ ક્વોરન્ટાઈન થવું પડશે નહીં.

બાળકોને ટેસ્ટિંગમાંથી મુક્તિ

વિદેશોમાંથી ભારતમાં આવતા પાંચ વર્ષ કે તેથી ઓછી વયના બાળકોને કોવિડ પહેલાના કે કોવિડ બાદના એમ તમામ પ્રકારના ટેસ્ટિંગમાંથી મુક્તિ આપવામાં આવી છે. ભારતમાં આવનારા ઇન્ટરનેશનલ મુસાફરો માટે જાહેર કરાયેલી નવી ગાઇડલાઇન્સમાં આ માહિતી અપાઇ છે.
જોકે આ બાળકોને ભારતમા આગમન કર્યા બાદ અથવા તો હોમ ક્વોરન્ટાઇનાના સમયગાળા દરમ્યાન કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હોવાનું માલુમ પડશે તો તેઓએ સરકાર દ્વારા જાહેર કરાયેલા પ્રોટોકોલ મુજબ સારવાર કરાવવાની રહેશે એમ ગાઇડલાઇનમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી.
સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસનો આંતક હવે ધીમો પડ્યો હોવાની નોંધ કરતાં નવી ગાઇડલાઇન્સમાં કરોના વાઇરસના સતત બદલાઇ રહેલા સ્વરૂપ ઉપર ધ્યાન રાખવાની જરૂરિયાત ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. હાલ જે ગાઇડલાઇન્સ છે તે ભારતમાં આવનારા વિદેશી મુસાફરના જથ્થાને ધ્યાનમાં લઇને ગત ૧૭ ફેબ્રુઆરીના રોજ તૈયાર કરવામાં આવી હતી જેમાં જોખમ આધારિત અભિગમ અપનાવવામાં આવ્યો હતો, પરંતુ સમગ્ર વિશ્વના તમામ દેશોમાં રસીકરણનું પ્રમાણ વધ્યું છે તે બાબતને અને કોરોના વાઇરસનો આતંક ધીમે ધીમે ઓછો થઇ રહ્યો છે તે વાસ્તવિકતાને ધ્યાનમાં લઇને ભારતમાં આવનારા ઇન્ટરનેશનલ મુસાફર માટેની ગાઇડલાઇન્સમાં સુધારો કરવામાં આવ્યો છે.

ઝાયડસની રસી હાલ માત્ર પુખ્તોને

ઝાયડસ કેડિલાની કોરોના રસી ઝાયકોવ-ડીને ૧૨ વર્ષથી વધુ વયના લોકોને આપવાની મંજૂરી મળી છે. જોકે હાલ સરકાર બાળકોના રસીકરણમાં ઉતાવળ કરવા માગતી નહી હોવાથી ઝાયકોવ-ડી રસી અત્યારના તબક્કે માત્ર પુખ્તવયના લોકોને જ આપવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કેન્દ્રના આરોગ્ય મંત્રાલયે સ્વદેશી બનાવટની નીડલ-ફ્રી રસી ઝાયકોવ-ડીને રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમમાં સામેલ કરવાની મંજૂરી આપી દીધી છે. ટૂંક સમયમાં આ રસીનું રસીકરણ પણ શરૂ કરી દેવામાં આવશે. અમદાવાદ સ્થિત ઝાયડસ કેડિલા ફાર્મા કંપનીને આ રસીના એક કરોડ ડોઝ પૂરા પાડવા માટે સરકારે ઓર્ડર આપ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter