ભારતમાં સાઇબર ઇતિહાસની સૌથી મોટી ચોરીઃ ઇટાલિયન કંપનીએ ૧૮ કરોડ ડોલર ગુમાવ્યા

Thursday 10th January 2019 05:19 EST
 
 

મુંબઇઃ ચાઇનીઝ હેકર્સની એક ટોળકીએ ઇટાલિયન કંપની ટેક્નિમોન્ટ સ્પાના ભારતીય એકમ સાથે ૧૮ કરોડ ડોલર (આશરે રૂ. ૧૩૦ કરોડ)ની છેતરપિંડી કરી છે. હેકર્સ ગેન્ગે એક કંપનીના એક્વિઝિશન માટે આ નાણાંની જરૂર હોવાનો સ્થાનિક મેનેજરોને ભરોસો અપાવ્યો હતો અને બેન્ક ખાતામાં નાણાં ટ્રાન્સફર કરાવીને ઉપાડી લીધા હતા. ભારતમાં સાઇબર ઇતિહાસમાં આ સૌથી મોટી ચોરી માનવામાં આવે છે.
હેકર્સે મિલાનમાં હેડ ક્વાર્ટર ધરાવતી કંપની ટેક્નિમોન્ટ સ્પાના ભારતીય એકમ ટેક્નિમોન્ટ પ્રા. લિ.ને ઇ-મેઇલ કર્યા હતા, જે ગ્રૂપ સીઇઓ પિયરોબેર્ટો ફોલ્જિયેરોના એકાઉન્ટ જેવું જ દેખાતું હતું એમ પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.
હેકરોએ ચીનમાં સંભવિત ‘અત્યંત ગુપ્ત’ એક્વિઝિશન માટે શ્રેણીબદ્ધ કોન્ફરન્સ કોલ કર્યા હતા. આ કોલ્સ દરમિયાન કેટલાક લોકોએ વિવિધ ભૂમિકા ભજવી હતી. તેઓએ પોતાને ગ્રૂપ સીઇઓ અને સ્વિટ્ઝરલેન્ડ સ્થિત ટોચના વકીલ અને કંપનીના અન્ય સિનિયર એક્ઝિક્યુટિવ્સ ગણાવ્યા હતા, એમ મુંબઈ પોલીસ સાઇબર ક્રાઇમ યુનિટને સોંપાયેલી ફરિયાદમાં જણાવાયું છે.
હેકર્સે કંપનીના ભારત ખાતેના વડાને તે વાત સાથે સહમત કર્યા હતા કે નિયમનકારી અવરોધોના કારણે આ નાણાં ઇટાલીમાં ટ્રાન્સફર કરવામાં નહીં આવે. આ પછી નાણાં નવેમ્બરમાં એક જ સપ્તાહમાં ત્રણ તબક્કામાં ટ્રાન્સફર કરાયા હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter