ભારતીય સેનાએ વર્ષના પ્રથમ ૬ મહિનામાં કાશ્મીરમાં ૧૦૬ આતંકીઓને ઠાર માર્યા

Wednesday 24th June 2020 08:45 EDT
 
 

શ્રીનગરઃ ભારતીય સેનાએ ૨૨મી જૂને પાકિસ્તાનના બે જવાનો અને એક ચોકી ફૂંકી મારી હતી. સોમવારે પૂંછ જિલ્લાના કૃષ્ણા ઘાટી, રાજૌરીના નૌશેરા સેક્ટરમાં નિયંત્રણ રેખા (LOC) અને કઠુઆમાં આતંરરાષ્ટ્રીય સરહદે મોર્ટારશેલ છોડાયા હતા. ભારતીય સેનાના પ્રવક્તાએ જણાવ્યું કે, પાકિસ્તાનને સોમવારે મળસ્કે ૩.૩૦ કલાકે નૌશેરામાં હળવા શસ્ત્ર્રોથી ગોળીબાર કર્યો હતો. ઉપરાંત કૃષ્ણાઘાટીમાં મોર્ટારમારો કર્યો હતો. એ પછી ફરીથી ૫.૩૦ કલાકે ગોળીબાર શરૂ કર્યો હતો. નૌશેરમાં હવાલદાર દીપક કાર્કી ગંભીર રીતે ઇજા પામ્યો હતો અને તેનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું. આ મહિને પૂંછ અને રાજૌરીમાં પાકિસ્તાને કરેલા ગોળીબારમાં ભારતના ચાર જવાન શહીદ થયા હતા. ભારતે વળતા જવાબમાં ૨૨મીએ બે પાકિસ્તાની જવાન અને જ્યાંથી માર્ટારમારો થતો હતો એ ચોકી ઉડાવી દીધી હતી.
કઠુઆમાં પણ સોમવારે મધરાતથી સવાર સુધી પાકિસ્તાન તરફથી ગોળીબાર થયો હતો તેનો આ જવાબ હોવાનું સેનાએ જણાવ્યું હતું.
દક્ષિણ કાશ્મીરમાં શ્રીનગરના જાદિબલ વિસ્તારના એક મકાનમાં છુપાયેલા ૩ આતંકીઓને તેમજ શોપિયાંમાં એક આતંકીને ભારતીય સેનાએ રવિવારે ઠાર માર્યા હતા. મકાનમાં છુપાયેલા આતંકીઓ સામે ફાયરિંગ પછી ત્રણેયનો સફાયો કરાયો હતો. માર્યા ગયેલા ત્રણેય આતંકીઓ સ્થાનિક હતા અને રમજાન મહિનામાં ૨૦મેના રોજ શ્રીનગરના પાંડવ ચોકમાં BSFના બે જવાનની હત્યામાં સામેલ હતા. ત્રણેયના વાલીઓને બોલાવીને સરન્ડર થવા અપીલ કરાઈ હતી પણ તેઓ સરન્ડર ન થતા આખરે તેમને ઠાર કરાયા હતા. શોપિયાંમાં લકીરપુર વિસ્તારમાં છુપાયેલા જૈશના આતંકીને ઠાર કરીને તેની પાસેથી એકે -૪૭ તેમજ દારૂગોળો જપ્ત કરાયા હતા.

પંજાબમાં મળેલાં શસ્ત્રો

એક દિવસ અગાઉ પંજાબમાં શનિવારે બીએસએફ દ્વારા તોડી પાડવામાં આવેલા પાક.ના જાસૂસી ડ્રોન સાથે મળી આવેલાં હથિયારો પુલવામામાં સક્રિય આતંકીને પહોંચાડવાનાં હતાં. કઠુઆમાં મળેલાં આ શસ્ત્રો પર અલીભાઈ એવું સાંકેતિક નામ લખ્યું હતું. આ અલીભાઈ બીજું કોઈ નહીં પણ પુલવામામાં સક્રિય આતંકી ફુરકાન હોવાનું જાણવા મળ્યું હતું.

૧૦૬ આતંકીઓ ઠાર

પાકિસ્તાન સેના અને આતંકીઓ તરફથી કાશ્મીર ઝોનમાં સતત પજવણી થયા કરે છે. કાશ્મીર ઝોન આઈજી વિજયકુમારે કહ્યું કે, ઇતિહાસમાં પહેલીવાર ૪ મહિનામાં ૪ આતંકી સંગઠનોના ૪ વડાને ઠાર કરવામાં આપણને સફળતા મળી છે. જેમાં લશ્કરે તોયબા, જૈશે મોહમ્મદ, હિઝબુલ મુજાહિદ્દીન અને અન્સાર ગઝવત ઉલ હિંદના વડાનો સમાવેશ થાય છે. આ વર્ષે અત્યાર સુધીમાં ૧૦૬ આતંકીઓને ઠાર કરાયા છે. જોકે સેનાનો ઈરાદો કાશ્મીરમાં શાંતિ સ્થાપવાનો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter