ભારતીય સેનાનો જડબાતોડ જવાબઃ કેપ્ટન સહિત ૩ પાક. જવાન ઠાર

Thursday 24th November 2016 02:51 EST
 
 

શ્રીનગરઃ પાકિસ્તાની બોર્ડર એક્શન ટીમ દ્વારા સરહદપારથી જમ્મુ-કાશ્મીરના માછીલ સેક્ટરમાં મંગળવારે કરાયેલા ફાયરીંગનો ભારતીય સેનાનેએ જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતીય સેનાએ કરેલા ગોળીબારમાં કેપ્ટન સહિત ત્રણ પાકિસ્તાની જવાન માર્યા ગયા હતા. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાની ફાયરીંગમાં ત્રણ ભારતીય જવાનો શહીદ થયા હતા અને એક શહીદના શિરોચ્છેદની ઘટના બની હતી. આ ઘટનાના પગલે ભારતીય સેનાએ આક્રમક વલણ અપનાવ્યું હતું. સાથી સૈનિકના શિરોચ્છેદનો બદલો લેવા ભારતીય સેનાએ ૨૦૦૩થી અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કરતાં લાઇન ઓફ કન્ટ્રોલ (એલઓસી) પરના પૂંચ, રાજૌરી, કેલ અને માછીલ સેક્ટરોમાં લવાત અને નાક્યાલ ખાતે આવેલી પાકિસ્તાની ચોકીઓ પર ભારે મોર્ટારમારો અને ગોળીબાર કર્યા હતા.
પાકિસ્તાની સેનાની મીડિયા વિંગ આઇએસપીઆરે જણાવ્યું હતું કે ભારતીય સેનાના હુમલામાં એક કેપ્ટન સહિત ત્રણ પાકિસ્તાની જવાનો માર્યા ગયાં છે. મૃત્યુ પામેલાઓમાં કેપ્ટન તૈમૂર અલી તેમજ હવાલદાર મુસ્તાક હુસેન અને લાન્સ નાયક ગુલામ હુસેનનો સમાવેશ થાય છે.
પાકિસ્તાને યુદ્ધવિરામ ઉલ્લંઘન જારી રાખતાં ભિમ્બરગલી, કૃષ્ણાઘાટી, બાલાકોટ અને નૌશેરા સેક્ટરમાં ભારતીય ચોકીઓને નિશાન બનાવી હતી. પાકિસ્તાની મીડિયા વિંગે દાવો કર્યો હતો કે પાકિસ્તાની હુમલામાં સાત ભારતીય સૈનિકો માર્યા ગયાં છે.
ભારતીય સેનાએ મંગળવારે જ જણાવ્યું હતું કે, અમારા સૈનિકનો શિરચ્છેદ કરવાનાં કાયરતાપૂર્ણ કૃત્ય માટે પાકિસ્તાનને ભારે કિંમત ચૂકવવી પડશે. બુધવારે ભારતીય સેનાએ પાકિસ્તાની સેનાને વળતો ઘા મારતાં ફોરવર્ડ ચોકીઓ અને બંકરો પર ૧૨૦ એમએમ મોર્ટાર્સ આર્ટિલરી ગન્સ, હેવી કેલિબર વેપન્સ અને એન્ટિ-ટેન્ક ગાઇડેડ મિસાઇલો દ્વારા હુમલો કર્યો હતો. ભારતના હુમલામાં પાકિસ્તાનને કેટલું નુકસાન થયું છે તેની જાણકારી મળી નથી.

ભારતીય શેલિંગમાં ૧૧નાં મોત: પાકિસ્તાનનો આરોપ

પાક. કબ્જાગ્રસ્ત કાશ્મીરના પોલીસ અધિકારી વાહિદ ખાને જણાવ્યું હતું કે, નીલમ વેલીમાં ભારતીય સેના દ્વારા છોડવામાં આવેલા આર્ટિલરી શેલનો ભોગ એક પ્રવાસી બસ પણ બની હતી. બસમાં પ્રવાસ કરી રહેલાં ૯ નાગરિકનાં મોત થયાં હતાં અને ૯ને ઇજા પહોંચી હતી. આ ઉપરાંત પીઓકેના નાક્યાલ સેક્ટરમાં એક મકાન પર મોર્ટાર પડતાં બે પાકિસ્તાની નાગરિકનાં મોત થયાં હતાં. પાકિસ્તાની આર્મી સર્વિસ પબ્લિક રિલેશને આરોપ મૂક્યો હતો કે, ભારતીય સેનાએ ઘાયલોને હોસ્પિટલ લઈ જતી એમ્બ્યુલન્સને નિશાન બનાવી હતી.

ભારત વિરુદ્ધ પાકિસ્તાને સમિતિ રચી

પાકિસ્તાનના વિદેશ બાબતોના સલાહકાર સરતાજ અઝીઝે જણાવ્યું હતું કે, ભારતનાં પાકિસ્તાનવિરોધી અભિયાનને ખાળવા માટે એક સમિતિની રચના કરાઈ છે. આ સમિતિ નરેન્દ્ર મોદીના કટ્ટરવાદનો વિરોધ કરતાં ભારતીયનો સંપર્ક કરવા પગલાં લઈ રહી છે. નવી દિલ્હી સહિતના અમારા વિદેશોમાંના દૂતાવાસો ભારતની કટ્ટરવાદી નીતિઓ ઉજાગર કરવા પ્રયાસ કરી રહ્યા છે. પાકિસ્તાનનું આઈટી મંત્રાલય કાશ્મીરવિવાદને ચગાવવા માટે વ્યૂહરચના ઘડી કાઢશે. આ સમિતિમાં સેના અને આઇએસઆઇના ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ કરાયો છે.

દબાણ સર્જવા સિંધુ જળનો ઉપયોગ ન કરો: પાક.

પાકિસ્તાને ફરી એક વાર યુનાઇટેડ નેશન્સમાં ભારત વિરુદ્ધ ઝેર ઓકતાં ચેતવણી ઉચ્ચારી હતી કે, યુદ્ધ અથવા કૂટનીતિક દબાણ સર્જવા માટે પાણીનો ઉપયોગ થવો જોઈએ નહીં. યુએન સુરક્ષા પરિષદમાં પાકિસ્તાની રાજદૂત મલીહા લોધીએ જણાવ્યું હતું કે વિશ્વસમુદાયે જળ સંબંધિત મામલા પર સહયોગ કરવામાં અનિચ્છા દર્શાવતાં દેશને ચેતવણી આપવી જોઈએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter