નવી દિલ્હી, નાઈરોબીઃ ભારતીય હાઈ કમિશન દ્વારા નાઈરોબીના હાર્દસમાન કારુરા ફોરેસ્ટ ખાતે ‘ઈન્ડિયા-કેન્યા ફ્રેન્ડશિપ રન ફોર વિકસિત ભારત’નું 26 સપ્ટેમ્બરે આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધીના સેવા પખવાડા નિમિત્તે લાઓસ, મલેશિયા, ડેનમાર્ક અને કેનેડામાં પણ ભારતીય દૂતાવાસો દ્વારા ‘વિકસિત ભારત રન’નું આયોજન કરાયું હતું.
નાઈરોબીમાં ભારતીય ડાયસ્પોરા અને ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયાના 300થી વધુ ઉત્સાહી લોકોએ ભારત અને કેન્યા વચ્ચે મજબૂત સંબંધો તેમજ 2047 સુધીમાં વિકસિત ભારત અંગે યોગદાન આપવા ‘ઈન્ડિયા-કેન્યા ફ્રેન્ડશિપ રન ફોર વિકસિત ભારત’માં ભાગ લીધો હતો.
લાઓસમાં ભારતીય રાજદૂત યોગેશ્વર સાંગવાન દ્વારા વિએન્તિઆનેમાં વિકસિત ભારત દોડને લીલી ઝંડી આપવામાં આવી હતી. મલેશિયાના કુઆલા લુમ્પુરના તામાન બુકિત જાલિલ ખાતે સ્થાનિક સત્તાવાળાના સહયોગ થકી વિકસિત ભારત રન 2026નું આયોજન કરવામાં આવ્યું હતુ. હાઈ કમિશનર સોમનાથ ઘોષે આ ઈવેન્ટનું વડપણ સંભાળ્યું હતું. ડેનમાર્કમાં ડેનિશ ઈન્ડિયન સ્પોર્ટ્સ એસોસિયેશનના સહકાર થકી કોપનહેગન ખાતે વિકસિત ભારત દોડ યોજાઈ હતી. રાજદૂત મનિષ પ્રભાતે દોડમાં ભાગ લેનારા પ્રતિ આભાર વ્યક્ત કર્યો હતો. કેનેડાના વાનકુવરના હાર્બર ગ્રીન પાર્ક ખાતે ભારતના કોન્સલ જનરલ માસાકુઈ રુંગસુંગે 27 સપ્ટેમ્બરે વિકસિત ભારત દોડને લીલી ઝંડી દર્શાવવા સાથે ભારતને વિકસિત બનાવવામાં ભારતીય ડાયસ્પોરાના યોગદાનની પ્રશંસા કરી હતી.


