નવી દિલ્હીઃ પ્રમુખ ટ્રમ્પે મંગળવારે રાત્રે ફરી એકવાર રશિયન ઓઇલનો ઉલ્લેખ કરીને ભારત પર વધુ ટેરિફ લાદવા ચેતવણી ઉચ્ચારી છે. તો ભારત સરકારે પણ પહેલીવાર અમેરિકા પર ખુલ્લેઆમ પ્રહાર કર્યો છે. ભારતે રશિયાથી અમેરિકા અને યુરોપિયન યુનિયન (ઇયુ)ને થતી નિકાસનો ડેટા જાહેર કરીને ટ્રમ્પને અરીસો બતાવ્યો. ભારતે કહ્યું, ‘અમેરિકા દ્વારા તેના પરમાણુ ઉદ્યોગ માટે યુરેનિયમ, હેક્સાફ્લોરાઈડ, ઇવી ઉદ્યોગ માટે પેલેડિયમ, રશિયા પાસેથી ખાતરો અને રસાયણોની આયાત ચાલુ જ છે. ઇયુ સાથે પણ એવું જ છે. આવી સ્થિતિમાં, ભારતને નિશાન બનાવવું અન્યાયી અને અતાર્કિક છે.’ વિદેશ પ્રધાન એસ. જયશંકરે એક કાર્યક્રમને સંબોધતા કહ્યું હતું કે, વૈશ્વિક વ્યવસ્થા થોડા લોકોના વર્ચસ્વ પર નહીં ચાલે. અમારી સામૂહિક ઈચ્છા એક નિષ્પક્ષ વ્યવસ્થા માટેની છે.
રાષ્ટ્રીય હિત માટે તમામ પગલાં લઈશું
ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું, યુક્રેન યુદ્ધ પછી પરંપરાગત પુરવઠો યુરોપ તરફ વાળવામાં આવ્યો ત્યારે ભારતે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની આયાત શરૂ કરી હતી. ભારત તેના રાષ્ટ્રીય હિતો - આર્થિક સુરક્ષાના રક્ષણ માટે પગલાં લેશે.
ભારત-રશિયા સંબંધનું આગવું મહત્ત્વ
પત્રકારો સાથેની વાતચીતમાં પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે ભારત વિવિધ દેશો સાથેના દ્વિપક્ષીય સંબંધો તે દેશોની યોગ્યતાને ધોરણે નક્કી કરે છે. ભારત-રશિયા રાજદ્વારી સંબંધો સમયની એરણ પર ખરા ઉતરેલા સંબંધો છે. ટ્રમ્પે ભારત-રશિયાની આલોચના કર્યાના બીજા જ દિવસે ભારતીય વિદેશ મંત્રાલયે આ પ્રતિક્રિયા આપી છે.
અમેરિકાની અસલીયત ખુલ્લી પાડતાં આંકડા
• ટેરિફ યુદ્ધમાં ફસાયેલા ટ્રમ્પ ભારત અને રશિયા પર હુમલો કરી રહ્યા છે, પરંતુ ચીન પર મૌન છે. આંકડા દર્શાવે છે કે ચીન રશિયા પાસેથી ક્રૂડ ઓઇલનો સૌથી મોટો ખરીદનાર છે. ડિસેમ્બર 2022થી જૂન 2025 સુધી, રશિયાની કુલ ક્રૂડ નિકાસનો 47 ટકા ચીન ગયો. તે જ સમયે, ભારતે 38 ટકા, યુરોપિયન યુનિયન અને તુર્કીએ રશિયા પાસેથી 6 ટકા-6 ટકા ક્રૂડ ઓઇલ આયાત કર્યું. ઊંચા ટેરિફની ધમકી આપનાર અમેરિકાએ 2024માં રશિયા પાસેથી 3 બિલિયન ડોલરનો માલ આયાત કર્યો હતી. જ્યારે આ વર્ષના પ્રથમ પાંચ મહિનામાં અમેરિકાએ રશિયા પાસેથી 2.09 બિલિયન ડોલરના માલની આયાત કરી છે. આ ગયા વર્ષના સમાન સમયગાળા કરતા 24 ટકા વધુ છે.
• ઇયુએ 2024માં રશિયા સાથે 72.9 બિલિયન ડોલરનો દ્વિપક્ષીય વેપાર કર્યો હતો. તે જ સમયે 2023 માં સેવાઓનો વેપાર 18.6 બિલિયન ડોલર હતો. આ તે વર્ષે કે પછીના વર્ષે રશિયા સાથેના ભારતના કુલ વેપાર કરતાં વધુ છે. ઈયુ 2024 માં રશિયાથી 16.5 મિલિયન ટન લિક્વિફાઈડ નેચરલ ગેસ (LNG)ની આયાત કરે છે, જે 2022 ના 15.21 મિલિયન ટનના રેકોર્ડને વટાવી
ગયું છે.