નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરનાં પહલગામમાં આતંકી હુમલા પછી ભારત દ્વારા પાકિસ્તાનને તેની ભાષામાં પાઠ ભણાવવા શ્રેણીબદ્ધ પગલાં લેવાઈ રહ્યા છે. ભારતે આતંકી હુમલા પછી તરત પાક. સાથેનો સિંધુ જળ કરાર રદ કર્યો છે. તેનાં 10 દિવસ પછી હવે સરકારે ચિનાબ નદી પર બનેલા બગલિહાર ડેમમાંથી પાક.ને આપવામાં આવતું ચિનાબ નદીનું પાણી રોકી દીધું છે. આ ઉપરાંત ઝેલમ નદી પર બનેલા કિશનગંગા ડેમમાંથી પાણી બંધ કરવા વિચારાઈ રહ્યું છે. ચિનાબ નદીનું પાણી રોકવામાં આવતા પાક.નાં પંજાબ પ્રાંતમાં પાણીની તીવ્ર અછત સર્જાઈ શકે છે.
જમ્મુનાં રામબનમાં બનેલો બગલિહાર ડેમ અને ઉત્તર કાશ્મીરમાં ઝેલમ નદી પરનો કિશનગંગા ડેમ આ બંને નદીઓનાં પાણી પર ભારતનાં અંકુશને જાળવી રાખે છે. આમ આ બંને નદીનાં પાણી માટે ભારત પાક. કરતા મજબૂત સ્થિતિમાં છે. ભારત આ બંને ડેમ દ્વારા વીજળીનું ઉત્પાદન કરે છે તેમજ બંને નદીઓનું પાણી રોકવા તેમજ છોડવા ભારતને અધિકાર મળેલો છે.
ભૂતકાળમાં બગલિહાર ડેમ ભારત અને પાકિસ્તાન વચ્ચે લાંબા સમય સુધી વિવાદનું કારણ બન્યો હતો. આ બંધ બાંધવાનાં મામલે પાક. દ્વારા વર્લ્ડ બેન્કની મધ્યસ્થતાની માંગણી કરાઈ હતી. પાકિસ્તાન દ્વારા કિશનગંગા ડેમ અંગે ઝેલમની પૂરક નદી નીલમ પર ભારતનાં પ્રભાવ સામે વિરોધ વ્યક્ત કરાયો છે.
ભારત ઉદારતાથી પાક.ને પાણી આપતું રહ્યું છે
ભારતથી પાકિસ્તાન તરફ વહેતી નદીઓ બંને દેશો માટે જીવનરેખા સમાન છે. કારણ કે તેનાં પાણીથી બંને દેશોનાં મેદાની વિસ્તારોમાં રહેતા લોકો ખેતી કરી રહ્યા છે. ભારત પાસે પૂરો અંકુશ હોવા છતાં તે ઉદારતાથી પાક ને વધારે પાણી આપી રહ્યું છે. સિંધુ જળ સંધિમાં ભારતનું પ્રભુત્વ હોવા છતાં પાક.ને પાણી આપવા સંમતિ દર્શાવાઈ છે. પહલગામ હુમલા પછી ભારતની ધીરજ ખૂટી ગઈ છે અને સિંધુ જળ કરાર બંધ કરાયો છે. આ પછી પાક.નાં અનેક નેતાઓએ ભારતને લુખ્ખી ધમકીઓ આપવાનું શરૂ કર્યું છે. ભારતની વોટર સ્ટ્રાઈકને કારણે પાક.નાં ગભરાટ ફેલાયો છે. ત્યાંનાં લોકો ફફડી રહ્યા છે કે ભારત ગમે ત્યારે હુમલો કરી શકે છે.