અયોધ્યાઃ ભારત પ્રવાસે આવેલા ટેસ્લાના સીઈઓ એલન મસ્કના પિતા ઈરોલ મસ્ક ચોથી જૂને અયોધ્યા પહોચ્યા હતા. તેમણે પરિવાર સાથે રામલલાના દર્શન કર્યા હતા.તેઓ બપોરે 2:15 વાગ્યે મહર્ષિ વાલ્મીકિ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ચાર્ટર્ડ પ્લેનથી પહોચ્યા હતા. એરપોર્ટ પર ઉતર્યા બાદ તેમણે શુદ્ધ ભારતીય અંદાજમાં હાજર લોકોનું અભિવાદન કર્યું હતું. હનુમાનગઢીના મહંત હેમંત દાસની હાજરીમાં તેમણે જય શ્રી રામના નારા પણ લગાવ્યા હતા. આ દરમિયાન એરપોર્ટ જય શ્રીરામના નારા સાથે ગૂંજવા લાગ્યું હતું.
તેમણે ભારતીય સંસ્કૃતિના વખાણ કરતા કહ્યું કે, હું ભારતીય સંસ્કૃતિ અને પરંપરાના ગૌરવશાળી ઈતિહાસનું સન્માન કરું છું. ઈરોલ મસ્કની સાથે તેમની પુત્રી એલેકઝાન્ડ્રા પણ અયોધ્યા પહોચી હતી. હનુમાનગઢી અને રામલલાના દર્શન વખતે તે ભારતીય પોશાક કૂર્તા પાયજામામાં જોવા મળી હતી.