મહારાષ્ટ્રે પહેલો ફટકો માર્યોઃ ચીનની ત્રણ કંપનીના રૂ. ૫૦૦૦ કરોડના પ્રોજેક્ટ અટકાવ્યા

Thursday 25th June 2020 07:08 EDT
 
 

મુંબઇઃ ભારત સરકાર બાદ હવે મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે ચીનની ત્રણ કંપનીઓ સાથે થયેલા કરારને અટકાવ્યા છે. ‘મેગ્નેટિક મહારાષ્ટ્ર ૨.૦ સમિટ’માં રાજ્ય સરકારે ત્રણ ચીની કંપનીઓની સાથે ૫૦૦૦ કરોડના રોકાણના પ્રોજેક્ટ ઉપર હસ્તાક્ષર કર્યા હતા.
મહારાષ્ટ્રના ઉદ્યોગ પ્રધાન સુભાષ દેસાઇએ કહ્યું કે, ‘અમે આ નિર્ણય કેન્દ્ર સરકાર સાથે વિચારવિમર્શ બાદ કર્યો છે.’ તેમણે જણાવ્યું કે, ભારત – ચીન સરહદે ૨૦ ભારતીય સૈનિકોની હત્યા પહેલાં આ સમજુતી ઉપર હસ્તાક્ષર થયા હતા. તેમણે જણાવ્યું કે વિદેશ મંત્રાલયે ચીનની કંપનીઓ સાથે કોઇ પણ અન્ય સમજુતી ઉપર હસ્તાક્ષર નહીં કરવા રાજ્ય સરકારને સલાહ આપી છે. તેમણે જણાવ્યું કે, મેગ્નેટિક મહારાષ્ટ્ર ૨.૦ સમિટમાં રાજય સરકારે વિવિધ કંપનીઓ સાથે ૧૬,૦૦૦ કરોડથી વધુના કરાર કર્યા હતા, જેમાં ચીની કંપનીઓ પણ હતી.

બુલેટપ્રૂફ જેકેટનો ઓર્ડર રદ કરશે ?

ચીનની સરહદે તણાવનો જવાબ આપવાના હેતુથી કેટલાય સરકારી વિભાગોએ ચીનથી આયાત ઓછી કરી નાંખી છે, ત્યારે ગૃહ મંત્રાલય એક કંપની પાસેથી ૫૦,૦૦૦ બુલેટપ્રૂફ જેકેટ્સને ખરીદવાની તૈયારી કરી રહ્યું છે. આ સોદાનું શું થાય છે તેના ઉપર સૌની નજર છે કેમ કે એ બુલેટપ્રૂફ જેકેટમાં ચીની સામાગ્રીનો ઉપયોગ કરાશે. એક મીડિયાના હેવાલ મુજબ જેકેટ્સ તૈયાર કરનારા વેન્ડર કાચી સામગ્રી પશ્ચિમી દેશો પાસેથી ખરીદવાને બદલે ચીનથી જ આયાત કરવા માંડયો છે. એ બાદ પણ ૧.૮૦ લાખ જેકેટ્સનો ઓર્ડર આપનારા સંરક્ષણ મંત્રાલય હજુ એ સોદા અંગે કોઇ નિર્ણય લીધો નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter