નવીદિલ્હી: જાણીતા વકીલ અને માનવઅધિકારના કાર્યકર્તા આસમા જહાંગીરનું રવિવારે લાહોરમાં નિધન થયું છે. ૬૬ વર્ષના આસમાને હૃદયરોગનો હુમલો આવતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું અવસાન થયું હતું. કુલભૂષણ જાધવના મામલે આસમા જહાંગીરે પાકિસ્તાન સરકાર સામે બાંયો ચડાવી હતી, જ્યારે પાકિસ્તાન સરકાર કુલભૂષણ જાધવના મામલે કોઈ મચક આપતી ન હતી એવા સમયમાં આસમાએ સરકાર સામે અવાજ ઉઠાવ્યો હતો.
જ્યારે કુલભૂષણ જાધવને કાઉન્સેલર એક્સેસ આપવામાં આવતા ન હતા ત્યારે આસમાએ પાકિસ્તાન સરકાર સામે સવાલ કર્યો હતો કે, સરકારને કાઉન્સેલર એક્સેસ ન આપવાની સલાહ કોણે આપી? શું આ પ્રકારનાં વલણથી ભારતની જેલમાં બંધ પાકિસ્તાની નાગરિકોના અધિકાર સામે જોખમ ઊભું નહીં થાય? શું પાકિસ્તાન ઇન્ટરનેશનલ લોને બદલી શકે એમ છે? આ પ્રકારના તીખા અને તીક્ષ્ણ સવાલો સામે પાકિસ્તાન સરકાર મૌન બની હતી. આસમાનો જન્મ જાન્યુઆરી ૧૯૫૨ના રોજ લાહોરમાં થયો હતો. પંજાબ યુનિ.માંથી તેમણે એલ. એલ. બી.નો અભ્યાસ કર્યો હતો. આસમાએ લાહોર હાઈ કોર્ટ અને પાકિસ્તાન સુપ્રીમ કોર્ટમાં પણ કામ કર્યું હતું. તેઓ પાકિસ્તાન સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના પ્રથમ મહિલા અધ્યક્ષ રહ્યાં હતાં.