નવી દિલ્હી: અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઇરાન સામે છેડાયેલાં યુદ્ધ વચ્ચે ચિંતિત બનેલા ભારતીય વિદેશ મંત્રાલયે શનિવારે જણાવ્યું હતું કે, તમામ પક્ષો સંવાદથી સમાધાન કરે તે સમયની માગ છે. યુદ્ધના ઉચાટ વચ્ચે વિદેશ મંત્રાલયે બધા પક્ષોને સંયમ રાખીને દરેક દેશની સંપ્રભુતાનું સન્માન કરવા આહ્વાન કર્યું હતું. એક નિવેદનમાં મંત્રાલયે જણાવ્યું હતું કે, ભારત દરેક દેશને ટેન્શન રોકી નાગરિકોની સુરક્ષાને પ્રાથમિક્તા આપવા અપીલ કરે છે. તણાવગ્રસ્ત ક્ષેત્રમાં આવેલાં અમારાં મિશન ભારતીય નાગરિકોના સંપર્કમાં છે અને તેમને સતર્ક રહેવા તેમજ દૂતાવાસોના સંપર્કમાં રહેવા જણાવાયું છે. ભારત સરકારે ઈઝરાયલમાં રહેતા ભારતીય નાગરિકો માટે એલર્ટ જારી કરી દીધું છે. ઈઝરાયલમાં ભારતીય દૂતાવાસે એક જરૂરી નોટિસ જાહેર કરી હતી. દૂતાવાસે તમામ ભારતીયોને ખૂબ જ સાવધાન રહેવા કહ્યું હતું.


