જોહાનિસબર્ગઃ સાઉથ આફ્રિકાના પ્રવાસમાં સૌથી ખતરનાક અને બ્લેક ડેથ તરીકે ઓળખાતા ખૂંખાર કેપ બફેલો બુલ- જંગલી ભેંસાના શિકારે ગયેલા 52 વર્ષીય અમેરિકન મિલિયોનેર ટ્રોફી હન્ટર આશેર વોટકિન્સને જ 1.3 ટનનું વજન ધરાવતા ભેંસાએ રહેંસી નાખ્યો હતો. વોટકિન્સ લિમ્પોપો પ્રોવિન્સમાં 50,000 એકરમાં ફેલાયેલા બામ્બિસાના વિસ્તારમાં જંગલી ભેંસાનું પગેરું કાઢી રહ્યા હતા ત્યારે રોષે ભરાયેલા ભેંસાએ અચાનક હુમલો કરી અણીદાર શિંગડા શિકારીના શરીરમાં ખૂંપાવી દેતા તેનું કરૂણ મોત નીપજ્યું હતું.
ટેક્સાસમાં રેન્ચ વેપારી આશેર વન્યજીવનની જાળવણી માટે શિકારને મહત્ત્વપૂર્ણ માનતો હતો અને તેના સોશિયલ મીડિયા પેજીસમાં શિકાર કરેલા મૃત સિંહ અને જંગલી પ્રાણીઓ સાથે તેની તસવીરો જોવા મળતી હતી. તેણે આર્જેન્ટિનામાં મિત્રો સાથે શિકાર દરમિયાન ત્રણ દિવસમાં હજારો કબૂતરોને મારી નાખ્યા હોવાની બડાશો પણ મારી હતી. આશેરની માલિકીના વોટકિન્સ રેન્ચ ગ્રૂપ દ્વારા 1 મિલિયન પાઉન્ડથી 30 મિલિયન પાઉન્ડ વચ્ચેની કિંમતના એક્સક્લુઝિવ રેન્ચીઝનું વેચાણ કરાતું હતું.
આશેરની પુર્વ પત્ની કોર્ટનીએ મૃત પતિને શ્રદ્ધાંજલિ અર્પતા જણાવ્યું હતું કે તેમની ટીનેજર દીકરી સાવાનાહ ભારે આઘાત હેઠળ છે. ઘટના સમયે આશેરની માતા, ભાઈ અને સાવકા પિતા લોજમાં તેની રાહ જોઈને બેઠાં હતાં. વોટકિન્સ સફારી કંપની કોએનરાડ વેરમાક સફારીઝના ચાર પ્રોફેશનલ શિકારી અને એક ટ્રેકર સાથે જંગલી ભેંસાનું પગેરું કાઢી રહ્યા હતા ત્યારે અચાનક જ તેમના પર હુમલો થયો હતો. માનવી અને સિંહો સામે ઝીંક ઝીલતા કેપ બફેલોનું વજન 1.5 ટન સુધી, લંબાઈ 11 ફૂટ અને ઊંચાઈ 5 ફૂટ, 6 ઈંચ જેટલી હોય છે.