મુકેશ અંબાણી એશિયામાં સૌથી ધનવાન પરિવારોમાં પ્રથમ ક્રમે

Friday 17th November 2017 07:54 EST
 
 

નવી દિલ્હીઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સર્વેસર્વા મુકેશ અંબાણીનો પરિવાર એશિયાના સૌથી અમીર પરિવાર બન્યો છે. ફોર્બ્સ મેગેઝિનના મતે અંબાણી પરિવારના પાસે ૨.૯૧ લાખ કરોડ રૂપિયાની સંપત્તિ છે. ગયા વર્ષની સરખામણીમાં તેમાં ૭૪ ટકા એટલે કે ૧.૨૩ લાખ કરોડનો વધારો થયો છે. ફોર્બ્સે બહાર પાડેલી એશિયાના સૌથી અમીર ૫૦ પરિવારોની યાદીવાળા પરિવારોની કુલ સંપત્તિ ૪૫.૪૩ લાખ કરોડ આંકવામાં આવી છે. ગયા વર્ષ કરતાં તેમાં ૩૫ ટકા વધારો થયો છે.

અંબાણી પરિવારની સંપત્તિમાં સૌથી વધુ ૭૪ ટકાનો વધારો થયો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો ઓઇલ રિફાઇનિંગ માર્જિન વધવા સાથે જિયોને કારણે પણ કંપનીના શેર એક વર્ષમાં ૭૮ ટકા વધ્યા છે. બીજા ક્રમે દક્ષિણ કોરિયાનો લી પરિવાર આવે છે. આ પરિવારની ૨.૬૫ લાખ કરોડની સંપત્તિ છે. લી પરિવાર કોરિયાની સૌથી મોટી કંપની સેમસંગનો પ્રમોટર છે.

સૌથી વધુ ભારતીય કુટુંબો!

ફોર્બ્સે એશિયાના સૌથી ધનિક ૫૦ પરિવારોની યાદી બહાર પાડી છે. તેમાં સૌથી વધુ ધનપતિઓ ભારતના છે. યાદીમાં કુલ ૧૮ પરિવારો ભારતના છે. બીજા ક્રમે હોંગકોંગ છે. હોંગકોંગના ૯ પરિવારો છે. ભારતના સહગલ (ટીએસજી) અને વાડિયા સહિત છ પરિવાર પહેલી વખત આ યાદીમાં સામેલ થયા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter