મુક્ત વેપાર કરારથી ભારત-ઇયુ વચ્ચે સુવર્ણ યુગનો પ્રારંભઃ વડાપ્રધાન મોદી

Friday 27th February 2026 15:46 EST
 
 

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે સ્પેનના રાષ્ટ્રપતિ પેડ્રો સાંચેઝ અને ફિનલેન્ડના વડાપ્રધાન પેટ્ટેરી ઓર્પો સાથે અલગ-અલગ બેઠકો યોજી હતી અને જણાવ્યું હતું કે ભારત અને યુરોપીયન યુનિયન વચ્ચે થયેલા મુક્ત વેપાર કરાર (FTA)ને પગલે ભારત-યુરોપના સંબંધોમાં સુવર્ણ યુગની શરૂઆત થઈ છે. ઉલ્લેખનીય છે કે, સાંચેઝ અને ઓર્પો ‘ઈન્ડિયા AI ઈમ્પેક્ટ એક્સ્પો 2026’માં હાજરી આપવા માટે ભારત આવ્યા હતા.

મોદીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ સાંચેઝ સાથેની બેઠકમાં ભારત અને સ્પેન વચ્ચેની મિત્રતાને ખાસ કરીને સંરક્ષણ, સલામતી અને ટેક્નોલોજી જેવા ક્ષેત્રોમાં વધુ ગાઢ બનાવવા મુદ્દે રચનાત્મક ચર્ચા થઈ હતી. મોદીએ સોશિયલ મીડિયા પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, બંને દેશો 2026ને ‘ભારત-સ્પેન સંસ્કૃતિ, પ્રવાસન અને AI વર્ષ’ તરીકે ઉજવી રહ્યા છે. તેનાથી બંને દેશોના લોકો વચ્ચેનું જોડાણ વધુ મજબૂત બનશે. યુરોપીયન યુનિયન સાથેનો ઐતિહાસિક મુક્ત વેપાર કરાર સ્પેન સાથેની આર્થિક ભાગીદારી પર ખૂબ જ સકારાત્મક અસર કરશે. ભારત અને યુરોપીયન યુનિયને ગત 27 જાન્યુઆરીએ ‘મધર ઓફ ઓલ ડીલ્સ’ તરીકે વર્ણવાયેલા ઐતિહાસિક મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યાં હતાં.
આ કરારથી બે બિલિયન લોકોને આવરી લેતા જંગી બજારનું નિર્માણ થશે. સ્પેનના રાષ્ટ્રપતિ સાંચેઝે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પરની વૈશ્વિક સમિટના આયોજન બદલ વડાપ્રધાન મોદીને અભિનંદન પાઠવ્યા હતા. વડાપ્રધાન કાર્યાલય દ્વારા જારી કરવામાં આવેલા સત્તાવાર નિવેદન અનુસાર, બંને નેતાઓએ દ્વિપક્ષીય મંત્રણા કરી અને વેપાર, રોકાણ, ટેકનોલોજી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આબોહવા, અવકાશ અને સંરક્ષણ સહિતના ક્ષેત્રોમાં ભારત-સ્પેન વચ્ચેના સંબંધોની સમીક્ષા કરી હતી.
બંને વડાઓએ વડોદરામાં ઓક્ટોબર 2024માં, C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ માટે સંયુક્ત રીતે ઉદ્ઘાટન કરાયેલાં ટાટા-એરબસના સહયોગની પ્રગતિ અંગે આનંદ વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાન મોદીએ નવી શિક્ષણ નીતિ હેઠળ અગ્રણી સ્પેનિશ યુનિવર્સિટીઓને ભારતમાં કેમ્પસ ખોલવા માટે આમંત્રણ આપ્યું હતું.
ફિનલેન્ડના વડાપ્રધાન પેટ્ટેરી ઓર્પો સાથેની મંત્રણા દરમિયાન, વડાપ્રધાન મોદીએ ભારત-ઈયુ વચ્ચેના મુક્ત વેપાર કરારને વ્યક્તિગત ધોરણે સમર્થન પૂરું પાડવા બદલ આભાર માન્યો હતો. પીએમ મોદીએ જણાવ્યું હતું કે, ભારત અને ફિનલેન્ડનો લક્ષ્યાંક વેપાર બમણો કરવાનો છે. અમે 6G, ઇનોવેશન, ક્લીન એનર્જી અને સર્ક્યુલર ઇકોનોમી જેવી ભવિષ્યની ટેકનોલોજીમાં સહયોગ વધારવા વિશે પણ વાત કરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter