કમ્પાલાઃ યુગાન્ડાની રાજધાની કમ્પાલામાં દેખાતા પોસ્ટરોમાં બે જ વ્યક્તિ વધુ જોવા મળે છે. એક તો 40 વર્ષ અગાઉ સિવિલ વોર પછી સત્તા હાંસલ કરનારા 81 વર્ષના વયોવૃદ્ધ પ્રેસિડેન્ટ યોવેરી મુસેવેની અને બીજી વ્યક્તિ તે તેમનો 52 વર્ષીય પુત્ર અને દેશનો લશ્કરી વડો જનરલ મુહુઝી કાઈનેરુગાબા છે.
પિતા મુસેવેની પછી દેશની બાગડોર સંભાળી લેવાની જનરલ કાઈનેરુગાબાની મહેચ્છાથી કોઈ અજાણ નથી. સત્તા અત્યારથી જ તેના હાથમાં આવી ગઈ હોવાનું તેનું વર્તન જણાવે છે. વૃદ્ધ યુગાન્ડાવાસીઓ કહે છે કે તેની યુદ્ધખોર માનસિકતા અને ક્રૂરતા 1970ના દાયકાના કુખ્યાત લશ્કરી સરમુખત્યાર ઈદી અમીનની યાદ અપાવે છે. કાઈનેરુગાબાની મહેચ્છાઓ આર્મી અને શાસક પક્ષ તેમજ તેના પોતાના પરિવારમાં પણ તકરાર સર્જી રહી છે, જેનાથી મુસેવેનીની હાજરી નહિ હોય ત્યારે સત્તાસંઘર્ષ સર્જાય તેવો ભય જણાય છે.
પ્રેસિડેન્ટ મુસેવેનીએ જ 2024માં જનરલ કાઈનેરુગાબાને લશ્કરી દળોનો ચાર્જ સોંપ્યો હતો. જો મુસેવેની તેમના પુત્રને રાજકીય વારસ તરીકે આગળ વધારી રહ્યા હોય તો પણ બંનેનું વ્યક્તિત્વ તદ્દન અલગ છે. મુસેવેની મનમોહક કથાકાર છે જ્યારે જનરલ કાઈનેરુગાબા ઓછાબોલા છે. પિતાની લાંબાં પ્રવચનો કરવાનો સોખ છે જ્યારે પુત્ર X પર અણછાજતી ભડાશ કાઢવા માટે કુખ્યાત છે. જાન્યુઆરીમાં મુસેવેની ફરી ચૂંટાઈ આવ્યા તે ઈલેક્શનમાં જનરલે મુખ્ય હરીફ બોબી વાઈનની હત્યા અને ખસી કરી નાખવાની ધમકી ઉચ્ચારી હતી. અન્ય અગ્રણી વિપક્ષી નેતા કિઝા બેસિગ્યેનું 2024માં કેન્યાના નાઈરોબીથી અપહરણ કરી જેલભેગા કરવાનું કામ પણ કાઈનેરુગાબાના ઈશારે થયું હતું. દેશદ્રોહના આરોપી બેસિગ્યેને ફાંસીએ ચડાવી દેવાની ધમકી પણ તેણે જ ઉચ્ચારી છે. જુલાઈમાં જનરલના ઈશારે જ સૈનિકોએ કમ્પાલાના પૂર્વ મેયર અને બેસિગ્યેના એક વકીલ એરિયાસ લુક્વાગોનું અપહરણ કર્યું હતુ અને તેની સામે દેશદ્રોહનો આરોપ લગાવાયો છે.
મુસેવેનીના યુગાન્ડામાં દમન નવી વાત નથી, પરંતુ દિવસે દિવસે શાસન વધુ અંધકારપૂર્ણ અને આપખુદ બની રહ્યું હોવાની લાગણી પ્રવર્તે છે. એક સમયે શોષણને બંધારણીય કાયદેસરતાના વાઘા પહેરાવી દેવાતા હતા, પરંતુ હાલ તો મનસ્વી, નજર સામેની આપખુપદશાહી જોવા મળે છે તેમ લોકો કહી રહ્યા છે. જનરલ કાઈનેરુગાબા તો કાયદો શું કહે છે તેની જરા પણ તમા રાખતા નથી. કેટલાક લોકોના કહેવા અનુસાર ઈદી અમીનના કાળમાં નાઈલ નદીમાં મૃતદેહો તરતા હતા તેવી સ્થિતિએ હજુ પહોંચ્યા નથી, પરંતુ તે શક્ય છે.
આ પરિસ્થિતિને રોકશે કોણ? પુત્ર વારસો સંભાળે તેમ ઈચ્છતા હોવાનું મુસેવેનીએ કદી સ્પષ્ટ કર્યું નથી. ભૂતકાળમાં કાઈનેરુગાબાના કાર્યો પણ તેમણે લગામ કસી હતી, પરંતુ હવે તેઓ નબળા પડી ગયા છે અને લાગે છે કે તેઓ પુત્રને અંકુશમાં રાખી શકતા નથી અથવા તેવી ઈચ્છા પણ નથી. આના પરિણામે, જનરલ પોતાના કહેવાતા શત્રુઓ અને હરીફોને કચડવાના પ્રયાસમાં આગળ વધી રહ્યા છે.
જોકે,મુસેવેનીના દરબારમાં એક વ્યક્તિ એવી છે જે સમજદારી સ્થાપિત કરી શકે તેમ છે અને તે તેમનો નાનો ભાઈ અને નિવૃત્ત જનરલ સલિમ સાલેહ છે. તેઓ પરદા પાછળનું શક્તિશાળી વ્યક્તિત્વ છે અને કાઈનેરુગાબા તેમને અવગણવાની હિંમત કરી શકે તેમ નથી. જો વંશાનુગત વારસદારને ટાળી ન શકાય તેવી પરિસ્થિતિમાં યુગાન્ડાના મોટા ભાગના અગ્રણીઓ પ્રમુખ તરીકે સાલેહને પસંદ કરવા માગશે. જોકે, સાલેહ શું ઈચ્છે તે પણ સ્પષ્ટ નથી. બીજી તરફ, કેટલાકના મતે શાસનમાં કટોકટી વેળાએ જરૂર લાગશે તો તેઓ સત્તા હાથમાં લઈ શકે છે. મનાય છે કે યુગાન્ડાની આર્મીનો મોટો હિસ્સો પણ સાલેહની તરફેણમાં બહાર આવી શકે છે.


