મેઇડ ઇન ઇંડિયા ‘બ્રહ્મોસ’ મિસાઇલની નિકાસ શરૂ, ફિલિપાઇન્સને મોકલાઇ

Wednesday 24th April 2024 07:15 EDT
 
 

મનીલા - નવી દિલ્હી: ભારતે મેઇડ ઇન ઇન્ડિયા ‘બ્રહ્મોસ’ મિસાઇની પહેલી ખેપ ફિલિપાઇન્સને પહોંચાડીને સંરક્ષણ ક્ષેત્રે નવું સીમાચિહન અંકિત કર્યું છે. સાઉથ ઇસ્ટ એશિયાઈ દેશ ફિલિપાઈન્સ સાથે સંરક્ષણ સાધનો અંગે થયેલા 37.5 કરોડ ડોલરના સોદાના ભાગરૂપે ક્રૂઝ મિસાઇલ્સની પહેલી ખેપ મનીલા પહોંચી છે. વિશ્વની સૌથી ઘાતક મિસાઇલની યાદીમાં સ્થાન ધરાવતી આ મિસાઇલ જોકે પ્રમાણમાં નાની છે. ફિલિપાઇન્સ સૌથી પહેલો દેશ છે કે જેને ભારત ‘બ્રહ્મોસ’ મિસાઇલ્સ પૂરા પાડી રહ્યું છે. આમ ચીનના દુશ્મનને ભારત શસ્ત્રસજ્જ કરવા માંડયું છે.
ફિલિપાઈન્સને આ મિસાઇલ્સ એવા સમયે મળી છે કે જ્યારે દક્ષિણ ચીન સમુદ્રમાં સતત ટકરાવ વધી રહ્યો છે. ફિલિપાઈન્સ આ ત્રણે મિસાઇલ્સ પોતાના તટીય ક્ષેત્રમાં તૈનાત કરશે જેથી તે કોઈ પણ ખતરા અંગે પોતાનો બચાવ કરી શકે. અહેવાલે જણાવ્યું હતું કે ભારતીય હવાઈ દળે ‘બ્રહ્મોસ’ મિસાઈલ ફિલિપાઇન્સ પહોંચાડવા માટે એરફોર્સના સી-17 ગ્લાબમાસ્ટર પ્લેનનો ઉપયોગ કર્યો હતો.
‘બ્રહ્મોસ’ મિસાઇલ ભારતનો ડિફેન્સ સેક્ટરનો પહેલો મોટો સોદો છે. ભારત 2025 સુધીમાં ડિફેન્સ સેક્ટરમાં 75 ટકાથી વધુ ઉત્પાદન ઘરઆંગણે કરવાની સાથે મોટાપાયા પર નિકાસનું પણ આયોજન ધરાવે છે. તેના ભાગરૂપે 2030 સુધીમાં ભારતની ડિફેન્સ સેક્ટરની નિકાસનો આંકડો રૂ. એક લાખ કરોડને વટાવે તેવો લક્ષ્યાંક મૂકવામાં આવ્યો છે.
ભારત-રશિયા વચ્ચે થયેલા કરાર અનુસાર ભારતમાં નિર્મિત આ મિસાઇલનું ‘બ્રહ્મોસ’ નામ ભારતની બ્રહ્મપુત્ર અને રશિયાની મોસ્કોવા નદીઓનાં નામ પરથી રખાયું છે. ડીઆરડીઓ અને રશિયાની મશીનોસ્ટ્રોયેનિયા દ્વારા સ્થાપિત એક જોઈન્ટ વેન્ચર કંપની એરો-સ્પેસ દ્વારા તે બનાવવામાં આવ્યાં છે, દુનિયાનાં સૌથી ઘાતક મિસાઈલ્સ શ્રેણીમાં બ્રહ્મોસનું સ્થાન છે.
આ મિસાઇલ માત્ર જમીન પરથી જ હવામાં પ્રહાર નથી કરી શકતી, પરંતુ સમુદ્રનાં પાણીમાં પણ તે તેટલી જ ઝડપી અને ઘાતક છે. મનીલાએ ખરીદ કરાર કર્યા પછી ઈન્ડોનેશિયા, વિયેતનામ, થાઈલેન્ડ અને મલેશિયા પણ આ મિસાઇલ્સ ખરીદવા ભારત સાથે મંત્રણા કરે છે. મહત્વની વાત તે છે કે આ બધા જ દેશને ચીન સાથે સમુદ્રીય વિવાદ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter