મેના પ્રારંભથી જ ચીની સેના પેંગોંગમાં ૮ કિમી અંદર ઘુસી ગઇ છે?

Thursday 25th June 2020 06:05 EDT
 
 

નવી દિલ્હી: પૂર્વ લદ્દાખમાં ગલવાન વેલી રિજિયનમાં પ્રવર્તી રહેલી પરિસ્થિતિ હજુ માંડ સ્પષ્ટ થઇ રહી છે ત્યારે એક અહેવાલ એવો છે કે ચીની સેનાએ મે મહિનાના પ્રારંભે પેંગોંગ ત્સો વિસ્તારમાં ભારતીય ક્ષેત્રમાં ૮ કિમી સુધી ઘુસીને કબજો જમાવી દીધો હતો. ચીની સૈનિકો દ્વારા કબજો જમાવાયેલા વિસ્તારમાં સંખ્યાબંધ બંકરો સહિત નવા સ્ટ્રક્ચર પણ ઊભાં કરી દીધાં છે. ચીની સેનાએ પેંગોંગ ત્સો લેકના ઉત્તર કિનારા પર આવેલી ફિંગર-૪થી ફિંગર-૮ સુધીની પર્વતમાળાઓની ઊંચાઇઓ પર કબજો જમાવી દઇ પોતાની વ્યૂહાત્મક સ્થિતિ વધુ મજબૂત બનાવી લીધી છે. ગલવાન વેલી અને ગોગરા હોટ સ્પ્રિંગ વિસ્તારોમાં પેટ્રોલિંગ પોઇન્ટ (પીપી) ૧૪, ૧૫ અને ૧૭ ખાતે બંને દેશની સેનાઓ વચ્ચે થયેલા સંઘર્ષ બાદ તણાવ ઘટાડવા ચાલી રહેલી દ્વિપક્ષીય મંત્રણા દરમિયાન મળેલા સમયનો ઉપયોગ ચીની સેનાએ પેંગોંગ ત્સોના વિસ્તારમાં કબજો જમાવવા અને માળખાકીય સુવિધાઓનું નિર્માણ કરવામાં કરી લીધો હતો.
વર્ષોથી ભારતીય દળોનું પેટ્રોલિંગ
ભારતીય સેનાના તમામ નક્શા બતાવે છે કે એલએસી ફિંગર-૮ ખાતે ઉત્તરથી દક્ષિણ તરફ જાય છે. ફિંગર-૩ અને ફિંગર-૪ ખાતે તો આઇટીબીપીની પોસ્ટ પણ છે. ઘણા વર્ષોથી ભારતની પેટ્રોલિંગ ટુકડીઓ ફિંગર-૮ સુધી પેટ્રોલિંગ કરતી આવી છે. જોકે છેલ્લા
એક મહિનાથી ચીની સેના ફિંગર ફોરથી ફિંગર-૮ સુધીનો વિસ્તાર દબાવીને બેઠી છે અને તેના પર ચર્ચા કરવાનો ઇનકાર કરી
રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter