નવી દિલ્હી: ભારતમાં યોજાયેલા 18મા બ્રિક્સ સમિટમાં હાજરી આપવા આવેલા રશિયાનાં રાષ્ટ્રપતિ પુતિન અને યજમાન વડાપ્રધાન મોદી વચ્ચે શનિવારે દ્વિપક્ષીય મંત્રણા યોજાઈ હતી. ભારત મંડપમમાં બંને નેતાઓએ એકબીજાને ઉષ્માભેર આવકાર્યા બાદ હસ્તધૂનન સાથે તેમણે એકબીજાનેગળે લગાવ્યા હતા. બંને નેતાઓ એક જ કારમાં પ્રદર્શન સ્થળ પર પહોંચ્યા હતા. મોદી અને પુતિને ભારતમાં પહેલી વખત આયોજિત ઈનોપ્રોમ ઈન્ડિયા પ્રદર્શનની મુલાકાત લીધી હતી. બંનેએ ત્યાં હાજર પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી હતી. આ પ્રકારનાં આયોજનથી ભારત અને રશિયાનાં વેપારી અને ઔદ્યોગિક સંબંધો વધારે મજબૂત થશે અને વ્યાપ વધશે તેવી આશા વ્યક્ત કરી હતી.
બંને નેતાઓ વચ્ચે 45 મિનિટની વાતચીતમાં સંરક્ષણ, ઉર્જા, દ્વિપક્ષીય વેપાર, રોકાણ, ઔદ્યોગિક સહયોગ જેવા મહત્ત્વનાં મુદ્દા ચર્ચાયા હતા. હાલમાં બંને દેશો વચ્ચે 65 બિલિયન ડોલરનો વેપાર છે. તેને વધારીને 100 બિલિયન ડોલર કરવાનું લક્ષ્ય છે. આ ઉપરાંત પશ્ચિમ એશિયામાં યુદ્ધ જેવી સ્થિતિ, બ્લેક સીમાં ચીનનો વિસ્તારવાદ તેમજ રશિયા અને યુક્રેન યુધ્ધનો અંત લાવવાનાં મુદ્દે વાતચીત કરવામાં આવી હતી.
પીએમ મોદીએ પુતિનને રશિયન ભાષામાં અનુવાદ કરેલું પુસ્તક ભેટ આપ્યું હતું. પુતિને મોદીને 24મી ભારત-રશિયા વાર્ષિક શિખર સમિટમાં હાજરી આપવા રશિયાની મુલાકાત લેવાનું આમંત્રણ આપ્યું હતું, જેનો મોદીએ સ્વીકાર કર્યો હતો.
યુક્રેન સંઘર્ષને સમાપ્ત કરવામાં ભારત મદદ કરવા તૈયાર
વડા પ્રધાન મોદીએ ફરી એકવાર યુક્રેન સંઘર્ષ પર ભારતના વલણને સ્પષ્ટ કર્યું હતું. મોદીએ કહ્યું કે સંઘર્ષો ફક્ત વાતચીત અને રાજદ્વારી દ્વારા જ ઉકેલી શકાય છે. તેમણે શાંતિ પ્રયાસોમાં ભારતની સહાયની ઓફર કરતા કહ્યું કે ભારત યુક્રેન સંઘર્ષને સમાપ્ત કરવાના પ્રયાસોમાં સહયોગ કરવા તૈયાર છે.
મંત્રણામાં કયા મુદ્દા કેન્દ્રસ્થાને રહ્યા? • સુખોઈ-57 અને અપડેટેડ બ્રહ્મોસ મિસાઇલ • ભારત દ્વારા એર ડીફેન્સ સિસ્ટમ S-400 ખરીદવા અને તેના સ્પેર પાર્ટસ માટે ચર્ચા • બંને દેશો વચ્ચે 2030 સુધીમાં વેપાર 100 બિલિયન ડોલર વધારાશે • રેલવે અને સુરંગ નિર્માણ સહયોગ • સ્ટીલ સેકટરમાં વેલ્યુ ચેન વિકસાવવા નિર્ણય • બંને દેશોની કંપનીઓ વચ્ચે વેપાર વધારવા નવી તકો વધારવી • રશિયન બજારમાં ભારતનાં ઉત્પાદનોની પહોંચ વધારવી • નાગરિક પરમાણુ ઉજાં ક્ષેત્રે સહયોગ વધારે મજબુત કરાશે • રશિયામાં ભારતનાં કુશળ કામદારો માટે સંખ્યા વધારવા ચર્ચા


