મોસ્કો: રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને ભારતપ્રવાસનો આરંભ કરતા પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભરપૂર વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદી દબાણમાં આવી જાય તેવા નેતા નથી. પુતિનની આ ટિપ્પણી એવા સમયે આવી છે કે જયારે અમેરિકા રશિયાનું નામ લઈને ભારત વિરુદ્ધ ટેરિફ વોર ચલાવી રહ્યું છે. અમેરિકા તરફથી ભારત પર રશિયન ફૂડની ખરીદી બંધ કરવા દબાણ કરાઈ રહ્યું છે. એક અંગ્રેજી મેગેઝિનને આપેલા ઈન્ટરવ્યુમાં પુતિને મોદીના નેતૃત્વના વખાણ કરતા કહ્યું કે દુનિયાએ ભારતનું અડગ વલણ જોયું છે. ભારત-રશિયા વચ્ચે 90 ટકા દ્વિપક્ષી લેવડદેવડ પૂરી થઈ ચૂકી છે. ભારત રશિયન ક્રૂડનું સૌથી મોટું ખરીદદાર રહ્યું છે. જોકે પુતિનના કાર્યાલય ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે તાજેતરમાં કહ્યું હતું કે પશ્ચિમી પ્રતિબંધોને કારણે ભારત દ્વારા રશિયન ક્રૂડની ખરીદી થોડા સમય માટે ઘટી શકે છે.


