નવી દિલ્હીઃ એઆઈ ઇમ્પેક્ટ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સ્ટેજ પર દેખાયેલો એક 29 વર્ષનો યુવાન ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. સમિટમાં મોદીના ભાષણ પછી પણ વડાપ્રધાન સાથે તે વાતચીત કરતો જોવા મળ્યો હતો. મેટાના પ્રતિનિધિ બનીને સમિટમાં આવેલા આ યુવાનનું નામ છે - એલેક્ઝાન્ડર વાંગ.
એઆઈ સમિટમાં નરેન્દ્ર મોદીની સાથે સ્ટેજ પર એક તરફ ગુગલના સીઈઓ સુંદર પિચાઈથી લઈને ઓપન એઆઈના સેમ ઓલ્ટમેન, એન્થ્રોપિકના ડારિયો એમેડોઈ જેવા દિગ્ગજોની વચ્ચે 29 વર્ષનો એલેક્ઝાન્ડર વાંગ પણ હતો. વાંગ અને મોદી વાતચીત કરતા હોય એવી તસવીરો પણ પછીથી આવી હતી. એ પછી ચર્ચા શરૂ થઈ કે એ યુવાન કોણ છે?
2016ની એમઆઈટી ગ્રેજ્યુએટ એલેક્ઝાન્ડર વાંગે સ્કેલ એઆઈ નામની કંપની બનાવી હતી. તેના ક્લાયન્ટ્સમાં મેટા, ગૂગલ, એમેઝોન જેવી મોટી કંપનીઓનો સમાવેશ થતો હતો. તે કારણે એ કંપની અબજો ડોલરે પહોંચી ગઈ. તેની સાથે વાંગની સંપત્તિ પણ 31 હજાર કરોડ રૂપિયા થઈ ચૂકી છે. ફોર્બ્સે તેને યંગ ઉદ્યોગ સાહસિકોમાં સામેલ કર્યો હતો.
મેટાએ તેની કંપની સ્કેલ એઆઈમાં 1.17 લાખ કરોડ રોકાણ રૂપિયાનું કરીને તેને મેટાના સુપર ઈન્ટેલિજન્સ વિભાગનો હેડ બનાવ્યો છે. ભારતમાં એઆઈ સમિટમાં મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગ આવ્યા નથી. મેટાએ વાંગને તેના પ્રતિનિધિ તરીકે ભારત મોકલ્યો છે. મેટા ભારતમાં એઆઈ સેન્ટર્સ બનાવવા ધારે છે અને એ માટે વાંગને મોકલ્યો હોવાની શક્યતા છે.
એઆઈ સમિટમાં એલેક્ઝાન્ડરે કહ્યું હતું કે ભારતમાં એઆઈને એડપ્ટ કરવાની ગતિ ખૂબ તેજ છે. લોકો ઝડપથી ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. તેના કારણે ભારતમાં એઆઈ અને સુપર ઈન્ટેલિજન્સ ખૂબ ઉપયોગી થઈ પડશે.


