રાબાતઃ મોરોક્કોની ચૂંટણીમાં PAM પાર્ટીના વિજયના પગલે દેશના સર્વપ્રથમ મહિલા પ્રાઈમ મિનિસ્ટર તરીકે 50 વર્ષીય ધારાશાસ્ત્રી અને રાજકારણી ફાતિમા ઝાહરા અલ મનસૌરીની નિયુક્તિ કરવામાં આવી છે. PAM પાર્ટીને 395માંથી 97 બેઠક પ્રાપ્ત થઈ છે અને હવે ગઠબંધન સરકાર રચવામાં આવશે. તેઓ આરબ વિશ્વમાં બીજાં મહિલા પ્રાઈમ મિનિસ્ટર છે. અગાઉ ટ્યુનિશિયામાં નાજલા બોડેને સરકારનું વડપણ શોભાવ્યું હતું.
PAM પાર્ટીના જ અને દેશના ફૂટબોલ વડા ફૌઝી લેકજા પણ વડા પ્રધાન બનવાની હોડમાં હતા, પરંતુ કિંગ મોહમ્મદ છઠ્ઠાએ ફાતિમા ઝાહરા અલ મનસૌરીની પસંદગી કરી હતી. અલ મનસૌરીએ ઘણા વર્ષો સુધી મારાકેશનું મેયરપદ સંભાળ્યું હતું અને ગત ગઠબંધન સરકારમાં મિનિસ્ટર પણ હતાં.
મોરોક્કોમાં બંધારણીય રાજાશાહી છે, પરંતુ મોટા ભાગની સત્તા કિંગ હસ્તક છે. ગયા મહિને યોજાયેલી ચૂંટણીમાં PAM પાર્ટી (97), RNI પાર્ટી (66), ઈસ્તિકલાલ પાર્ટી (65) તેમજ PJD પાર્ટીને 54 બેઠક પ્રાપ્ત થઈ હતી. આ ચૂંટણીમાં માત્ર 38 ટકા મતદાન થયું હતું, જે બે દાયકામાં સૌથી ઓછી ટકાવારી છે.


