યુ-ટ્યૂબનું સુકાન સંભાળશે ભારતવંશી નીલ મોહન

Wednesday 22nd February 2023 05:23 EST
 
 

વોશિંગ્ટનઃ માઇક્રોસોફ્ટ અને ગૂગલ બાદ હવે યુ-ટ્યૂબના સીઈઓ પદે પણ એક ભારતીય આરૂઢ થયા છે. યુ-ટ્યૂબના સીઈઓપદે મૂળ ભારતીય-અમેરિકન નીલ મોહનની પસંદગી કરાઇ છે. માઇક્રોસોફ્ટ સીઈઓ સત્ય નડેલા અને ગૂગલના સીઈઓ સુંદર પિચાઇ બાદ યુ-ટ્યૂબના સીઈઓ બનેલા નીલ મોહનની વાત કંઈક અલગ છે. નીલ પહેલાં ગૂગલમાં ફરજ બજાવતા હતા.
ટ્વિટરમાં ન જોડાવા માટે રૂ. 544 કરોડનું બોનસ મળ્યું
નીલ મોહન વર્ષ 2008માં ડબલક્લિક આઇએનસી નામની કંપનીમાં કામ કરતા હતા. તે પછી આ કંપનીને ગૂગલે ખરીદી લીધી. તે સમયે ગૂગલે આ કંપનીમાં કામ કરી રહેલા કોઈ પણ કર્મચારીને નોકરીમાંથી કાઢી મૂક્યા નહીં, જેથી નીલ મોહનની ગૂગલ સાથે શરૂઆત થઈ ગઈ. સમય જતાં નીલને ટ્વિટરમાંથી નોકરી માટે ઓફર આવી. નીલ નોકરી છોડવાની તૈયારીમાં હતા, પરંતુ તેમના કામના કારણે કંપની તેમને જવા દેવા માગતી નહોતી. આ સમયે નીલને રોકવા માટે કંપનીએ તરત 100 મિલિયન ડોલર એટલે તે સમયના લગભગ 544 કરોડ રૂપિયા બોનસ તરીકે આપ્યા હતા. નોંધનીય છે કે 100 મિલિયન ડોલર્સનું બોનસ કંપની તરફથી ઘણા ઓછા લોકોને મળે છે. ગૂગલમાં તે સમયે આટલી રકમ બોનસ તરીકે ગૂગલના ચેરમેન એરિક સિવાય નીલને જ મળી હતી.
કોણ છે નીલ મોહન?
નીલ મોહને સ્ટેન્ફોર્ડ યુનિવર્સિટીથી અભ્યાસ કર્યો છે. નીલે પોતાના કરિયરની શરૂઆત ગ્લોરિફાઇડ ટેકનિકલ સપોર્ટ સાથે કરી હતી, જ્યાં તેમણે 60,000 ડોલર (રૂ. 49,68,510)નો પગાર મળતો હતો. આ સિવાય નીલે એક્સેન્ચરમાં સીનિયર એનાલિસ્ટના પદ પર કામ કર્યું છે. પછી તેઓ DoubleClick Inc સાથે જોડાયા. આ કંપનીમાં ત્રણ વર્ષ પાંચ મહિનામાં નીલ મોહને ડાયરેક્ટર, ગ્લોબલ ક્લાઇન્ટ સર્વિસીઝ જેવા પદ પર કામ કર્યું. આ સિવાય લગભગ અઢી વર્ષ વાઇસ પ્રેસિડેન્ટ - બિઝનેસ ઓપરેશનની જવાબદારી સંભાળી. તે પછી નીલ માઇક્રોસોફ્ટ સાથે જોડાયા, અહીં ચાર મહિના કામ કર્યા પછી તેઓ ફરી DoubleClick Incમાં પાછા ફર્યા. અહીં નીલે ત્રણ વર્ષ કામ કર્યું. DoubleClick Inc પછી તેમણે 2008માં સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ (ડિસ્પ્લે એન્ડ વીડિયો એડ્સ) તરીકે ગૂગલમાં કામ શરૂ કર્યું. વર્ષ 2015માં તેમને યૂ-ટ્યૂબના ચીફ પ્રોડક્ટ ઓફિસર બનાવાયા હતા.
આ કંપનીઓ પણ ચલાવે છે ભારતીયો
યૂ-ટ્યૂબની પેરેન્ટ્સ કંપની આલ્ફાબેટ ઇંકના સીઈઓ સુંદર પિચાઈ ભારતીય મૂળના છે. ત્યાં જ માઇક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલા, એડોબના સીઈઓ શાંતનુ નારાયણ અને આઇબીએમના સીઈઓ અરવિંદ કૃષ્ણા સહિત દુનિયાની અનેક કંપનીઓને ભારતીય મૂળના લોકો ચલાવી રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter