યુએનએસસીમાં ભારતના અધ્યક્ષપદે અફઘાનિસ્તાન મામલે આકરો પ્રસ્તાવ પસારઃ ચીન-રશિયાએ મતદાન ટાળ્યું

Wednesday 01st September 2021 04:53 EDT
 
 

નવી દિલ્હીઃ ભારતના અધ્યક્ષપદે યોજાયેલી યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ (યુએનએસસી)ની બેઠકમાં અફઘાનિસ્તાન મામલે એક આકરો પ્રસ્તાવ પસાર કરાયો હતો. જોકે ચીન અને રશિયાએ તેમાં મતદાનથી દૂર રહેવાનું પસંદ કર્યું હતું. આ પ્રસ્તાવમાં માગ કરવામાં આવી છે કે અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ કોઈ દેશને ધમકાવવા માટે કે ચરમપંથીઓને આશરો આપવા માટે નહીં કરવામાં આવે.
પ્રસ્તાવમાં તાલિબાન પાસે આશા રાખવામાં આવી છે કે દેશ છોડવા ઇચ્છુક અફઘાન અને અન્ય વિદેશી નાગરિકોને પરત મોકલવા મામલે તેણે જે પ્રતિબદ્ધતા દાખવી છે તેનું તે પાલન કરશે.
યુએનએસસીએ આ પ્રસ્તાવ સોમવારે પસાર કર્યો હતો. ફ્રાન્સ, બ્રિટન અને અમેરિકા સહિત ૧૩ સભ્ય દેશોએ આના પક્ષમાં મત આપ્યો અને કોઈ પણ દેશે પ્રસ્તાવનો વિરોધ નથી કર્યો. જોકે, વીટો અધિકાર ધરાવનાર કાયમી સભ્યો રશિયા અને ચીને મતદાનમાં ભાગ ન લીધો.
૧૫મી ઓગસ્ટે કાબુલ પર તાલિબાને કબજો કર્યો એ પછી આ પ્રથમ પ્રસ્તાવ છે. પ્રસ્તાવમાં કાબુલ એરપૉર્ટ પર તાજેતરમાં થયેલા હુમલાની પણ આકરી નિંદા કરવામાં આવી.
વ્યૂહોની સમીક્ષા કરવી પડશેઃ રાજનાથ સિંહ
તાલિબાને અફઘાનિસ્તાનમાં કબજો જમાવ્યો છે તે મુદ્દે ટિપ્પણી આપતાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે રવિવારે જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનમાં બદલાયેલા સમીકરણોએ ભારત સામે પડકાર ઊભા કર્યા છે. આ સ્થિતિ દેશને તેના વ્યૂહોની પુનઃ સમીક્ષા કરવા દબાણ કરી રહી છે. આપણે વ્યૂહોમાં તબદિલી લાવી રહ્યા છીએ અને ક્વાડની રચના આ વ્યૂહનો જ ભાગ છે. તામિલનાડુના વેલિંગ્ટન ખાતે ડિફેન્સ સર્વિસીઝ સ્ટાફ કોલેજને સંબોધન કરતાં સંરક્ષણ પ્રધાને જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનમાં બદલાઇ રહેલા સમીકરણો વચ્ચે સંરક્ષણ મંત્રાલય ઇન્ટીગ્રેટેડ બેટલ ગ્રૂપની રચના કરવા વિચારી રહ્યું છે. શત્રુને લડત આપવા આવા ‘સંકલિત યુદ્ધ જૂથો’ની રચના કરવામાં આવશે. તે યોજના હેઠળ ખૂબ જ ઘાતક અને આત્મનિર્ભર લડાયક જૂથોની રચના કરાશે.
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે જણાવ્યું હતું કે યુદ્ધમાં ઝડપી નિર્ણયશક્તિ ખૂબ જ મહત્ત્વની છે. આ પહેલાં શનિવારે સંરક્ષણ પ્રધાને જણાવ્યું હતું કે વિશ્વભરમાં થઇ રહેલા ફેરફારો આપણા માટે ચિંતાજનક છે. વિશ્વભરમાં સર્જાઇ રહેલી ઊથલપાથલ અને સર્જાઇ રહેલી અનિશ્ચિતતાના કાળમાં આપણે સાવધ રહેવાની જરૂર છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter