વોશિંગ્ટન, જોહાનિસબર્ગઃ લઘુમતી શ્વેત સાઉથ આફ્રિકનોને શરણાર્થી તરીકે યુએસ લાવવાના વિવાદાસ્પદ કાર્યક્રમમાં સાઉથ આફ્રિકા દખલગીરી નહિ કરે તેમ બંને દેશોની સરકારો વચ્ચે સંમતિ સધાયાના અહેવાલ છે. દક્ષિણ આફ્રિકન સત્તાવાળાઓએ ડિસેમ્બરમાં જોહાનિસબર્ગ ખાતે યુએસ રેફ્યુજી પ્રોસેસિંગ સાઈટ પર અચાનક દરોડા પાડ્યા પછી કોન્ટ્રાક્ટર્સની ધરપકડના પગલે બંને દેશો વચ્ચે તણાવ વધ્યો હતો.
આ પછી 23 ડિસેમ્બરે બંને દેશના અધિકારીઓ વચ્ચે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી, જેમાં પ્રીટોરીઆ દ્વારા યુએસ ચાર્જ દ‘એફેર્સ માર્ક ડિલાર્ડને ખાતરી અપાઈ હતી કે સાઉથ આફ્રિકા પ્રેસિડેન્ટ ટ્રમ્પની યોજનામાં કોઈ દખલગીરી નહિ કરે. શ્વેત સાઉથ આફ્રિકનો સંભવિત નરસંહારનો સામનો કરી રહ્યા હોવાનો ઈનકાર કરવા સાથે સાઉથ આફ્રિકન સરકારે જણાવ્યું હતું કે આમ છતાં, તેમની પસંદગીના સ્થળે સ્થળાંતર કરવાના અધિકારોની ગેરંટી અપાશે.
ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે સત્તા સંભાળ્યા પછી વિશ્વમાંથી યુએસમાં રેફ્યુજી પ્રવેશને અટકાવી દીધા હતા, પરંતુ અશ્વેતોની બહુમતી ધરાવતા સાઉથ આફ્રિકામાં શ્વેત આફ્રિકનો અત્યાચારોથી પીડિત હોવાના દાવા સાથે તેમને અમેરિકા લાવવાના પ્રયાસો વધારી દીધા હતા. બીજી તરફ, પ્રમુખ સીરિલ રામફોસાએ અતિ જમણેરી ષડયંત્રોની થીઅરીઓ ફગાવી દીધી હતી. અમેરિકાએ આ વર્ષના ઉત્તરાર્ધમાં યુએસમાં યોજાનારી G20બેઠકોમાં સાઉથ આફ્રિકા પર પ્રતિબંધ જાહેર કર્યો છે.

