નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લાં ત્રણ વર્ષથી વધુ સમયથી ચાલી રહેલા યુદ્ધને રોકવા માટે અમેરિકી પ્રમુખ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે 15 ઓગસ્ટે યોજાનારી સંભવિત મંત્રણા પૂર્વે યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે આ મામલે ફોન પર વિસ્તૃત ચર્ચા કરી હતી.
બંને વડાની વાતચીત દરમિયાન વડાપ્રધાન મોદીએ ઝેલેન્સ્કીને ખાતરી આપી હતી કે, રશિયા-યુક્રેન લડાઈના ઝડપી અને શાંતિપૂર્ણ ઉકેલ માટે ભારત શક્ય તમામ યોગદાન આપવા પ્રતિબદ્ધ છે. બંને દેશો વચ્ચે શાંતિ સ્થાપવાના વડાપ્રધાન મોદીના પ્રયાસોની પ્રશંસા કરવાની સાથે જ ઝેલેન્સ્કીએ પરોક્ષ રીતે ભારત દ્વારા રશિયા પાસેથી ઓઇલ ખરીદીનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. રશિયાને યુદ્ધ ચાલુ રાખવા માટે મળતા ભંડોળમાં ઘટાડો થાય તે માટે ઝેલેન્સ્કીએ રશિયન ઓઇલની ખરીદી મર્યાદિત કરવાની અપીલ કરી હતી.
સોશિયલ મીડિયા પોસ્ટમાં ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે, યુક્રેનના નાગરિકોનું સમર્થન કરવા બદલ હું વડાપ્રધાન મોદીનો આભારી છું. ભારત દ્વારા અમારા શાંતિના પ્રયાસોને સમર્થન આપવાની તથા યુક્રેનને લગતા તમામ મામલાના નિર્ણયમાં યુક્રેનની હિસ્સેદારી હોવી જોઈએ તેવો અભિગમ દર્શાવવા બદલ હું તેમનો આભાર વ્યક્ત કરું છું. ઝેલેન્સ્કીએ વધુમાં જણાવ્યું હતું કે, સપ્ટેમ્બરમાં યોજાનારી યુએન જનરલ એસેમ્બલી દરમિયાન પોતે મોદી સાથે વ્યક્તિગત મીટિંગ કરશે. મોદીએ જણાવ્યું હતું કે, યુદ્ધના સમાધાન તથા યુક્રેન સાથેના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા ભારત પ્રતિબદ્ધ છે.