કમ્પાલાઃ યુગાન્ડા અને પડોશી દેશ સાઉથ સુદાન વચ્ચે સરહદની આંકણી મુદ્દે વિવાદો ચાલે છે ત્યારે ગત સોમવાર 30 જુલાઈએ બંને દેશની સેનાઓ વચ્ચે ભારે યુદ્ધ ફાટી નીકળ્યું હતું, જેમાં ઓછાંમાં ઓછાં ત્રણ સુદાનીઝ અને એક યુગાન્ડન સહિત ચાર સૈનિકોના મોત નીપજ્યાના સત્તાવાર અહેવાલ છે. ભારે હિંસાના કારણે હજારો લોકો અસરગ્રસ્ત વિસ્તારોમાંથી સલામત સ્થળે દોડી રહ્યા છે.
સાઉથ સુદાનની પ્રેસિડેન્ટ સાલ્વા કિરની સરકારમાં તિરાડ પડવાથી સોમવારે સરકારી દળો અને બળવાખોર સશસ્ત્ર જૂથ વચ્ચે ગોળીબારો શરૂ થયા હતા. સરહદ પર યુગાન્ડાના લશ્કરી દળો પ્રેસિડેન્ટ કિરના દળોને મદદ કરવા ગોઠવાયેલા છે. જોકે, બંને દળોના લશ્કર વચ્ચે વર્તમાન સંઘર્ષના પરિણામે બે દેશોના ગઠબંધન બાબતે પ્રશ્નાર્થ સર્જાયો છે. બંને દેશો સંઘર્ષના સ્થળને પોતાનો વિસ્તાર ગણાવી રહ્યા છે ત્યારે હુમલો કોના તરફથી કરાયો તે સ્પષ્ટ થતું નથી. યુગાન્ડાના લશ્કરી પ્રવક્તાએ જણાવ્યું હતું કે સાઉથ સુદાનીઝ દળોએ વેસ્ટ નાઈલ રાજ્યના યુગાન્ડાના વિસ્તારમાં ઘૂસી ત્યાં છાવણી સ્થાપી હતી. તેમણે સ્થળ ખાલી કરવાનો ઈનકાર કરવાથી યુગાન્ડાના લશ્કરે બળપ્રયોગ કર્યો હતો.

