લંડન, કમ્પાલાઃ વેસ્ટમિન્સ્ટરમાં પાર્લામેન્ટ હાઉસીસ ખાતે 10 નવેમ્બર 2026ના રોજ યુગાન્ડા માટે ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રૂપ (APPG)ના ઉદ્ઘાટન સાથે યુગાન્ડા અને યુનાઈટેડ કિંગ્ડમ વચ્ચેના સંબંધોમાં નવી તાજગીનો સંચાર થયો હતો.આ ઈવેન્ટમાં પાર્લામેન્ટના સાંસદો અને લોર્ડ્સ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જે બંને દેશ વચ્ચે રાજદ્વારી, આર્થિક અને સંસદીય સંબંધોને મજબૂત કરવાના વધતા રસને દર્શાવે છે. આ ગ્રૂપનું અધ્યક્ષસ્થાન કન્ઝર્વેટિવ પાર્ટીના સ્ટુઅર્ટ એન્ડ્રયુ MP સંભાળશે જ્યારે ગ્લેન પ્રોમનિટ્ઝ સેક્રેટરીપદે રહેશે. યુકે પાર્લામેન્ટ અને આફ્રિકન દેશો વચ્ચે સંપર્કોનેો સપોર્ટ કરનારા અન્ય ગ્રૂપોમાં નવા ગ્રૂપનો સમાવેશ થશે. પાર્લામેન્ટરી ગ્રૂપનું આ ઉદ્ઘાટન સંસદીય કૂટનીતિ, ઈન્વેસ્ટમેન્ટ્સ અને પ્રજાકીય સંપર્કો મારફત યુગાન્ડા-યુકે સંબંધોને ગાઢ બનાવવાની નવીન તક દર્શાવે છે.
યુગાન્ડા પાર્લામેન્ટના પ્રતિનિધિઓની સાથે યુકે પાર્લામેન્ટના બંને ગૃહ-હાઉસ ઓફ કોમન્સ અને હાઉસ ઓફ લોર્ડ્સના વરિષ્ઠ પાર્લામેન્ટેરિયન્સે ઉદ્ઘાટન બેઠકમાં હાજરી આપી હતી. યુકે-યુગાન્ડા ફ્રેન્ડૃશિપ ગ્રૂપના અધ્યક્ષ અને પ્રતિનિધિ જ્હોન ટેઈરાએ વર્ચ્યુઅલ હાજરી આપવા સાથે યુગાન્ડા પાર્લામેન્ટના સ્પીકરનો સંદેશો વાંચી સંભળાવ્યો હતો. માફાબી આશા લુમોલોએ સદેહે હાજરી આપી હતી.
યુગાન્ડાના યુકેસ્થિત હાઈ કમિશનર નિમિષાબહેન માધવાણીએ સંબોધનમાં APPGના ઉદ્ઘાટનને યુગાન્ડા અને યુનાઈટેડ કિંગ્ડમ વચ્ચે દીર્ઘકાલીન મૈત્રીના સીમાચિહ્ન તરીકે ગણાવ્યું હતું. તેમણે સહકારના ત્રણ મુખ્ય ક્ષેત્રો-દ્વિપક્ષી સંબંધો મજબૂત કરવા, આરોગ્ય અને શિક્ષણમાં પા્ર્ટનરશિપને વિસ્તારવી તેમજ વેપાર અને ઈન્વેસ્ટમેન્ટને ઉત્તેજન આપવાને હાઈલાઈટ કર્યાં હતાં. હાઈ કમિશનર માધવાણીએ યુકેમાં વસતા 100,000થી વધુ યુગાન્ડન્સના યોગદાનને ભારપૂર્વક જણાવતાં સંશોધન, સ્કોલરશિપ્સ, હેલ્થકેર, ટેકનોલોજી અને કૌશલ્ય સંવર્ધનમાં સહકાર વધારવાની હાકલ કરી હતી.
હાઈ કમિશનરે 23થી 27 નવેમ્બરે યોજાનારા વેસ્ટમિન્સ્ટર આફ્રિકા બિઝનેસ એસોસિયેશન (WABA) ટ્રેડ મિશન ટુ યુગાન્ડાની જાહેરાત પણ કરી હતી. યુકેસ્થિત 6 કંપનીઓ એગ્રીકલ્ચર, એનર્જી, માઈનિંગ, મેન્યુફેક્ચરિંગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેકનોલોજી ક્ષેત્રોમાં ઈન્વેસ્ટમેન્ટ્સની તકોની તલાશ કરશે. માર્ટીન વિકર્સ MPના વડપણ હેઠળ આ ડેલિગેશન યુગાન્ડાના સરકારી અધિકારીઓ, બિઝનેસ અગ્રણીઓ અને ઈન્વેસ્ટર્સ સાથે વાતચીત કરશે. હાઈ કમિશનર માધવાણીએ ભવિષ્ય વિશે આશાવાદ વ્યક્ત કરવાં સાથે આપસી લાભ, મજબૂત વેપાર અને સહભાગી સમૃદ્ધિ આધારિત ભાગીદારીઓ માટે હાકલ કરી હતી.


