કમ્પાલાઃ યુગાન્ડાના પ્રેસિડેન્ટ યોવેરી મુસેવેનીના પુત્ર અને લશ્કરી વડા જનરલ મુહૂઝી કાઈનેરુગાબાએ 2031માં દેશના પ્રમુખપદ માટે ઉમેદવારી કરવાની અને 90 ટકા મત હાંસલ કરવાની જાહેરાત કરી છે. આ સાથે સાતમી વખત દેશના પ્રેસિડેન્ટ બનેલા પિતા મુસેવેની પછી સત્તા હાંસલ કરવાનો મનસુબો વ્યક્ત કર્યો છે. X પર શ્રેણીબદ્ધ પોસ્ટ મૂકીને 52 વર્ષીય જનરલે દેશની સર્વોચ્ચ રાજકીય પોઝિશન મેળવવામાં તેમના રસ વિશેની લાંબા સમયથી ચાલી રહેલી અટકળોને સમર્થન આપ્યું છે.
મુહૂઝી કાઈનેરુગાબાને છેક 1986થી યુગાન્ડા પર શાસન કરી રહેલા મુસેવેનીના રાજકીય વારસદાર તરીકે વર્ષોથી નિહાળવામાં આવે છે. યુગાન્ડાના લશ્કરી વડા તરીકે સેવા આપવા ઉપરાંત, કાઈનેરુગાબા રાજકીય પ્રેશર ગ્રૂપ પેટ્રિઓટિક લીગ ઓફ યુગાન્ડાનું વડપણ કરે છે. વર્ષ 2031ની સૂચિત ઉમેદવારી અગાઉ વિશ્વાસ વ્યક્ત કરતા લશ્કરી વડાએ 90 ટકા મત મેળવવા સાથે અભૂતપૂર્વ વિજયની આગાહી કરી છે. તેમના પિતા પ્રચાર અભિયાનમાં કેમ્પેઈન મેનેજરની મોટી ભૂમિકા ભજવશે એમ પણ તેણે જણાવ્યું હતું.
કાઈનેરુગાબાએ પ્રમુખપદમાં પોતાનો રસ પ્રથમ વખત જાહેર કર્યો નથી. અગાઉ તેણે 2026ની ચૂંટણીમાં ઉમેદવારી કરવાનું જણાવ્યું હતું, પરંતુ પિતાને જીતાડવા સંપૂર્ણ સમર્થન આપી ઉમેદવારીની યોજના પડતી મૂકી હતી. મુસેવેનીએ પ્રમુખપદની મુદત અને વયમર્યાદા દૂર કરતા બંધારણીય સુધારા કરાવી વર્ષો સુધી સત્તા પર રહેવાનું નિશ્ચિત કરી લીધું છે ત્યારે હવે તેઓ 2031ની ચૂંટણી લડશે કે કેમ તેના વિશે અટકળો શરૂ થઈ ગઈ છે.


