કમ્પાલાઃ યુગાન્ડામાં 2023માં સમલૈંગિકતાવિરોધી કઠોર કાયદો પસાર કરાયા પછી LGBTQ કોમ્યુનિટી સામે હિંસા અને તિરસ્કારનો જુલમ વધી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય સંસ્થા હ્યુમન રાઈટ્સ વોચ (HRW)ના રિપોર્ટ અનુસાર આ કાયદાના અમલ પછી યુગાન્ડાના સત્તાવાળાઓએ વ્યાપક ભેદભાવ અને હિંસા તેમજ LGBTસમુદાય વિરુદ્ધ ગેરમાહિતી અને તિરસ્કારને ફેલાવે રાખ્યા છે.
2023ના સમલૈંગિકતાવિરોધી કાયદા થકી સંમતિ સાથેના સમલિંગી સંબંધોને પણ આજીવન કેદ તથા જાહેર હોમોસેક્સ્યુઆલિટીને મોતની સજાની જોગવાઈ કરાયેલી છે. આ કાયદાના અમલ સાથે જ જમણેરી જૂથો અને આંતરરાષ્ટ્રીય પાર્ટનર્સે કાયદાને વખોડી ભંડોળ પાછું ખેંચતી જાહેરાતો કરી હતી.
HRWના રિપોર્ટમાં જણાવાયું છે કે આ કાયદા પછી સરકારે દમનના અભિયાનો, કનડગત, ધાકધમકી અને મનસ્વી ધરપકડો સહિત વ્યાપક પોલીસ શોષણની કામગીરી કરી હતી. કાયદાએ LGBTસમુદાય વિરુદ્ધ ભેદભાવ અને શોષણને આસમાને પહોંચાડી દીધા છે. હાઈ પ્રોફાઈલ સરકારી અને રાજકીય લોકોએ પરંપરાગત અને સોશિયલ મીડિયાનો ઉપયોગ LGBTQ કોમ્યુનિટી વિરુદ્ધ ગેરમાહિતી અને તિરસ્કારને ફેલાવવામાં કર્યો છે જેની ગંભીર અસર સમલૈંગિક સમુદાય, કર્મશીલો, સાથીઓ અને તેમના પરિવારો પર થઈ છે.