કમ્પાલાઃ યુગાન્ડાએ દેશમાં તાજેતરમાં ફાટી નીકળેલા ઈબોલાના રોગચાળાનો અંત આવ્યો હોવાની જાહેરાત કરી છે. ત્રણ મહિના અગાઉ, રાજધાની કમ્પાલામાં ભારે ચેપી અને હેમરેજિક ચેપના કેસીસને સમર્થન અપાયું હતું. વાઈરસના કારણે એક નર્સનું મોત થવાના પગલે 30 જાન્યુઆરીએ ઈબોલા રોગચાળો ફેલાયો હોવાનું સ્વીકારાયું હતું.
યુગાન્ડાના હેલ્થ મંત્રાલયે જાહેર કર્યું હતું કે વર્તમાન ઈબોલા સુદાન વાઈરસ રોગનો હવે સત્તાવારપણે અંત આવ્યો છે. આખરી પેશન્ટને ડિસ્ચાર્જ કરાયાના 42 દિવસ સુધી કોઈ નવો કેસ જણાયો નથી. જોકે, મંત્રાલયે રોગચાળા દરમિયાન કેટલા કેસીસ આવ્યા હતા તેની વિગતો જાહેર કરી નથી. માર્ચ મહિનાની શરૂઆતમાં બે મોત સાથે ઓછામાં ઓછાં 10 કેસ નોંધાયાનું જાહેર કરાયું હતું. સૌપહેલા વર્ષ 2000માં ઈબોલા રોગચાળો ફાટી નીકળ્યા પછી યુગાન્ડામાં સુદાન સ્ટ્રેઈનનો રોગચાળો 9 વખત ફેલાયો છે.
જ્યુબિલી ઈન્સ્યુરન્સ યુગાન્ડાના એકમોનું એકીકરણ કરશે
કમ્પાલાઃ જ્યુબિલી ઈન્સ્યુરન્સની પેરન્ટ ફર્મ જ્યુબિલી હોલ્ડિંગ્સ લિમિટેડ (JHL) ખર્ચા ઘટાડવા, ઓપરેશન્સને વ્યવસ્થિત બનાવવા અને કમ્પાલા માર્કેટમાં કંપનીની સ્પર્ધાત્મકતાને વધારવા યુગાન્ડામાં તેના ત્રણ એકમોમાંથી બેનું એકીકરણ કરવાની યોજના ધરાવે છે. આ બંને યુનિટમાં JHL 65 ટકા હિસ્સો ધરાવે છે.
નાઈરોબીસ્થિત વીમા કંપનીએ બજારમાં હેલ્થ અને લાઈફ ઈન્સ્યુરન્સ ઓફર કરતા તેના બે એકમોનું જ્યુબિલી લાફ એન્ડ હેલ્થમાં એકીકરણ કરવાને બોર્ડની બહાલી મળી ગઈ હોવાનું જાહેર કર્યું હતું. યુગાન્ડા યુનિટમાં કાર્યક્ષમતાને સુધારવા તેમજ ગ્રાહકોને વધુ સારી સેવા આપવાના હેતુસર આ ફેરફાર કરાયો છે. JHLનું ત્રીજું એકમ જ્યુબિલી ઈન્વેસ્ટમેન્ટ કંપની લિમિટેડ છે.