કમ્પાલાઃ યુગાન્ડામાં ગુરુવાર 15 જાન્યુઆરીએ પ્રમુખપદ અને પાર્લામેન્ટરી ઈલેક્શન માટે મતદાન થવાનું છે. પ્રેસિડેન્ટ બનવાની સ્પર્ધામાં વર્તમાન 81 વર્ષીય પ્રમુખ યોવેરી મુસેવેની અને પોપસ્ટારમાંથી રાજકારણી બનેલા 43 વર્ષીય વિપક્ષી નેતા રોબર્ટ ક્યાગુલાન્યી (બોબી વાઈન) સહિત કુલ 8 નેતાએ ઉમેદવારી કરેલી છે. આ ચૂંટણીમાં ભારે બેરોજગારી, બેહાલ અર્થતંત્ર, ભ્રષ્ટાચાર, નબળા ઈન્ફ્રાસ્ટ્રક્ચર, હેલ્થકેર અને શૈક્ષણિક અસમાનતા સહિતના મુદ્દા મહત્ત્વના બની રહેશે.
યુગાન્ડામાં છેક 1986થી કડક હાથે શાસન કરતા અને સાતમી મુદત માટે થનગની રહેલા પ્રેસિડેન્ટ મુસેવેની સામે અસંતોષ હોવાં છતાં, તેઓ જ વિજયી બને તેવા અણસાર વધુ છે. આનું કારણ એ ગણાય કે આ ચૂંટણીમાં લોકશાહીની બધી બાહ્ય રીતભાત અનુસરાતી હોવાં છતાં, તે ખોખલી વધુ લાગે છે. પડોશી દેશ ટાન્ઝાનિયામાં ગત ઓક્ટોબરની ચૂંટણીમાં જોવા મળ્યું તેમ દાયકાઓથી સત્તામાં રહેલા શાસકો પ્રજાની ઈચ્છા પર આધાર રાખતા નથી, પરંતુ કાવાદાવા, ધાકધમકી અને ભયની મશીનરી પર જ મદાર રાખે છે. જો યુગાન્ડાના નાગરિકો અને આંતરરાષ્ટ્રીય સમુદાય આવી મશીનરી સામે અવાજ નહિ ઉઠાવે તો આ જ પેટર્નનું પુનરાવર્તન જોવા મળશે. શાસકો ખુલ્લાપણા કે ન્યાયી સ્પર્ધામાંની સિસ્ટમમાં ટકી શકે તેમ ન હોવાથી. દાયકાઓના આર્થિક ગેરવહીવટના દુષ્પરિણામો માટે તેમને જવાબદાર ઠેરવાશે તેમ તેઓ સારી રીતે જાણતા હોવાથી ચૂંટણીઓમાં ગેરરીતિઓ પર વધુ આધાર રાખે છે.
યુગાન્ડામાં વિપક્ષી રેલીઓ સામે લગભગ પ્રતિબંધની પરિસ્થિતિ હોવાથી પ્રચાર પૂરજોશમાં નથી. યુગાન્ડામાં ઈલેક્શન મુક્ત અને ન્યાયી બની રહેશે તેવી ઈલેક્શન કમિશને ખાતરી ઉચ્ચારી હોવાં છતાં, ખુદ કમિશનની સ્વતંત્રતા અને નિષ્પક્ષતા સામે સવાલ ઉઠાવાય છે. વર્ષ 2021ની ચૂંટણીમાં સંખ્યાબંધ નાગરિકોની હત્યા થઈ, સેંકડોના અપહરણ કરાયા અથવા લાપતા કરી દેવાયા હતા. સમગ્ર જિલ્લાઓ મિલિટરી ઝોન્સમાં ફેરવાયા હતા તેમજ પરિણામપત્રકો બદલી નખાયા, ટેલી શીટ્સ છુપાવી દેવાઈ અને દેશને વાસ્તવિકતા સાથે સંબંધ ના હોય તેવા પરિણામો અને આંકડા સ્વીકારવાની ફરજ પડાઈ હતી. લોકોએ મતદાન કર્યું પરંતુ તેમના મતો ચોરી લેવાયા તે અસહાયપણે નિહાળવું પડ્યું. 2026ની ચૂંટણી અગાઉની હાલત સૂચવે છે કે આ જ અને કદાચ તેનાથી ખરાબ પેટર્ન અનુસરાઈ રહી છે.
આફ્રિકામાં સૌથી લાંબુ શાસન કરનારા ત્રીજા નેતા યોવેરી મુસેવેનીએ ઈલેક્શન લડવા માટેની વયમર્યાદા અને મુદત મર્યાદાને દૂર કરતા બે બંધારણીય સુધારા પસાર કરાવ્યા હતા જેનાથી તેમને સત્તાને વળગી રહેવાનો સૌથી વધુ લાભ થયો છે. તેઓ દેશને સ્થિરતા અને પ્રગતિની ગેરંટી આપી રહ્યા છે તો સામા પક્ષે યુવાવર્ગ, શહેરી અને વર્કિંગ ક્લાસ મતદારોનો સપોર્ટ ધરાવતા બોબી વાઈન લોકશાહી અને માનવાધિકારની જાળવણીનો મુદ્દો ઉઠાવી રહ્યા છે. અગ્રણી વિપક્ષી નેતા અને ચાર વખત મુસેવેની સામે હરીફ રહેલા કિઝા બેસિગ્યે દેશદ્રોહના આરોપસર 2024થી જેલમાં નખાયા છે અને પ્રતિબંધના લીધે ચૂંટણી લડી શકે તેમ નથી


