કમ્પાલાઃ યુગાન્ડાના સુરક્ષા દળોએ કુખ્યાત સીરિયલ કિલર અને માનવભક્ષી મુજુરિઝી મોઝીસની ધરપકડ કરી છે જેના પર વર્ષ 2010થી 2025ના ગાળામાં માસાકા, આઈબાન્ડા અને કાઝો ડિસ્ટ્રિક્ટ્સમાં 38 લોકોની નિર્દયી હત્યા અને મૃત શરીરના અંગોનું ભક્ષણ કરવાનો ગંભીર આરોપ છે. યુગાન્ડાના લશ્કરી વડા જનરલ મુહૂજી કાઈનેરુગાબાએ નરભક્ષી મોઝીસ સામે પબ્લિક ટ્રાયલ ચલાવવાની જાહેરાત કરી હતી.
મોઝીસને અગાઉ પણ શંકાના આધારે પકડવામાં આવ્યો હતો પરંતુ, તે પોલીસ કસ્ટડીમાંથી નાસી છૂટવા સફળ રહ્યો હતો. તાજેતરમાં ગ્રેટર માસાકા વિસ્તારમાં એક મહિલાનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા પછી તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો હતો અને પરિણામે, મોઝીસની ધરપકડ કરવામાં સફળતા મળી હતી. સીરિયલ કિલરના ગુનાઈત ઈતિહાસની શરૂઆત 2009થી થઈ હતી. મોઝીસ દીવાલમાં કાણું પાડી ઘરમાં પ્રવેશતો અને નિદ્રાધીન નિર્દોષ નાગરિકોને શિકાર બનાવતો હતો. 2013માં ક્યોટેરા વિસ્તારમાં એક જ પરિવારના 9 સભ્યની હત્યા તેમજ 2023માં પણ બે અલગ પરિવારો પર હુમલો કરી પાંચ લોકોની હત્યા પાછળ પણ મોઝીસ જવાબદાર હોવાનું મનાય છે.


