યુગાન્ડામાં બે મોટા મીડિયા આઉટલેટ્સ બંધ કરાવાયા

આફ્રિકા – સંક્ષિપ્ત સમાચાર

Wednesday 01st July 2026 07:05 EDT
 

કમ્પાલાઃ યુગાન્ડાના લશ્કરી વડા અને પ્રેસિડેન્ટ મુસેવેનીના પુત્ર મુહૂઝી કાઈનેરુગાબાએ દેશમાં બે મોટા મીડિયા આઉટલેટ્સ બંધ કરવાનો આદેશ આપતા જણાવ્યું હતું કે તેઓ દેશમાં મુક્ત અખબારોમાં માનતા નથી. નેશન મીડિયા ગ્રૂપ (NMG)ની માલિકી હેઠળ દેશનું સૌથી મોટું સ્વતંત્ર દૈનિક અખબાર ડેઈલી મોનિટર અને સૌથી મોટા ખાનગી બ્રોડકાસ્ટરોમાં એક NTV યુગાન્ડાને બંધ કરાવી દેવાયા હતા અને તેની ઓફિસો પર લશ્કરી સૈનિકો તહેનાત કરી દેવાયા હતા.

જનરલ કાઈનેરુગાબાએ X પર જણાવ્યું હતું કે,‘યુગાન્ડામાં હું ફ્રી પ્રેસમાં માનતો નથી. હવેથી યુગાન્ડા વિશે તમામ ખરાબ સ્ટોરીઝ મારી ઓફિસ દ્વારા ક્લીયર કરાવવાની રહેશે.’ જનરલે એમ પણ જણાવ્યું હતું કે કોઈ પણ મીડિયા આઉટલેટને બંધ કરાવવાની સત્તા તેમની પાસે 2017થી છે, જે તેમના પ્રેસિડેન્ટ પિતા તરફથી અપાઈ હતી. ઉલ્લેખનીય છે કે જનરલ કાઈનેરુગાબાને પ્રેસિડેન્ટ મુસેવેનીના અનુગામી વારસદાર માનવામાં આવે છે. અગાઉ, 2013માં ડેઈલી મોનિટરને 10 દિવસ માટે જ્યારે 2007માં NTV યુગાન્ડાને પણ મહિનાઓ સુધી બંધ કરાવી દેવાયું હતું.

ઈયુ દ્વારા સોમાલિયા પર વિઝાનિયંત્રણો

મોગાડિશુઃ યુરોપિયન યુનિયને સોમાલિયાના નાગરિકો પર વિઝા નિયંત્રણો લાગુ કર્યા પછી નવો વિવાદ સર્જાયો છે. સોમાલિયાના પ્રેસિડેન્ટ હસન શેખ મહમુદે વળતા પ્રહારમાં જણાવ્યું છે કે સોમાલિયા તેના સાચા નાગરિકોને પરત લેશે, પરંતુ યુરોપે પહેલા દેશનિકાલ કરાયેલા લોકોની ઓળખ પુરવાર કરવાની રહેશે. દેશનિીકાલ કરાયેલા ઘણા લોકો સોમાલિયાના નાગરિકો નથી.

સોમાલિયા યુરોપમાં રહેતા તેના ગેરકાયદે નાગરિકોને પરત લેવા યોગ્ય પગલાં લઈ રહ્યું નથી તેવા અહેવાલો વચ્ચે ઈયુના દેશોએ વિઝા નિયંત્રણોના પગલાને બહાલી આપી હતી. નવા નિયમો હેઠળ ઈયુ દેશો દ્વારા સોમાલી નાગરિકોને મલ્ટિપલ એન્ટ્રી વિઝા નહિ અપાય તેમજ ડિપ્લોમેટિક પાસપોર્ટ ધરાવનારાને પણ મુક્તિ રદ કરવામાં આવી છે. સોમાલિયાના પ્રેસિડેન્ટે જણાવ્યું હતું કે હોર્ન ઓફ આફ્રિકાના લોકોનો દેખાવ એકસરખો છે અને ઘણા લોકોએ યુરોપમાં એસાઈલમ મેળવવા સોમાલિયન હોવાના દાવા કરેલા છે અને ઘણા લોકો તો સોમાલી ભાષા પણ જાણતા નથી.

કેન્યામાં દેખાવકારો પર અત્યાચારનો આક્ષેપ

નાઈરોબીઃ કેન્યાના માનવાધિકાર જૂથોએ આક્ષેપ કર્યો છે કે 2024માં માર્યા ગયેલા દેખાવકારોને યાદ કરવાના મેળાવડામાંથી ધરપકડ કરાયેલા 6 દેખાવકારોને ભારે માર માર્યા પછી કોઈ ગામના માર્ગ પર ફેંકી દેવાયેલા મળી આવ્યા હતા જ્યારે હજુ એક દેખાવકાર લાપતા છે.

એમ્નેસ્ટી ઈન્ટરનેશન કેન્યાએ X પર જણાવ્યું હતું કે ગત ગુરુવારે મેમોરિયલમાંથી ધરપકડ કરાયા પછી 6 વ્યક્તિઓ ગાયબ થઈ ગઈ હતી અને શનિવારે સવારે નાઈરોબીના જુદા જુદા વિસ્તારોમાં માર માર્યા પછી ફેંકી દેવાયેલી હાલતમાં મળી આવી હતી. જોકે, એક વ્યક્તિની હજુ ભાળ મળી નથી. પોલીસ કસ્ટડીમાં આ દેખાવકારો પર ભારે અત્યાચાર ગુજારાયો હોવાનું કેન્યા હ્યુમન રાઈટ્સ કમિશન દ્વારા જણાવાયું હતું. કેન્યામાં જૂન-જુલાઈ 2024 અને 2025ના ગાળામાં દેખાવો દરમિયાન ઓછામાં ઓછાં 127 લોકો માર્યા ગયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter