કોપનહેગન: યુરોપના 22 દેશોને હાઈસ્પીડ રેલવે લાઈનથી જોડતો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ સ્ટારલાઇન આકાર લઈ રહ્યો છે. આ પ્રોજેક્ટ પાછો મેટ્રો ટ્રેનની જેમ કામ કરશે. યુરોપનું ભવિષ્ય મનાતા આ પ્રોજેક્ટ સાથે 21મી સદીમાં યુરોપના બધા શહેરો જોડાઈ જશે તેમ મનાય છે. કોપનહેગન સ્થિત થિન્ક ટેન્કે 21મી સદીના યુરોપની કલ્પના કરી છે તેમાં યુરોપીયન દેશોના 39 ટોચના બિઝનેસ સેન્ટર્સને એક જ રેલવે લાઈનથી જોડાશે. આ પછી 2040 સુધીમાં આ લાઇન યુકે, ટર્કી અને યુક્રેન સુધી પહોંચશે. આ પ્રોજેક્ટને યુરોપવાઈડ હાઈસ્પીડ સ્ટારલાઈન રેલ્વે નેટવર્ક નામ અપાયું છે.
ઉલ્લેખનીય છે કે હાલ દરેક યુરોપીયન દેશોમાં જુદા-જુદાં પ્રકારની રેલવે લાઇન છે અને તેના કારણે રેલ્વે પરિવહન ઘણું ધીમું થાય છે. હવે આખા યુરોપને એક જ રેલ્વે સિસ્ટમથી જોડવાની દરખાસ્તે વેગ પકડયો છે. ફક્ત એટલું જ નહીં, આ રેલવેલાઇનનો નકશો પણ તૈયાર કરી દેવાયો છે અને તેના 39 સ્થળો કેવી રીતે એકબીજા સાથે જોડાઇને ટ્રાન્સપોર્ટેશનનું પરિદૃશ્ય બદલી નાંખશે તે દર્શાવાયું છે.
નકશામાં આયરલેન્ડના ડબ્લનથી લઈને કીવ અને ફિનલેન્ડના હેલસિન્કીથી લઈને પોર્ટુગલના લિસબન સુધીના શહેરો કઈ રીતે જોડાશે તે દર્શાવાયું છે.
સૌથી નોંધનીય બાબત એ છે કે સ્ટારલાઈન નામની આ રેલ્વે સિસ્ટમ મેટ્રોની જેમ ડિઝાઈન કરવામાં આવશે. આના લીધે લોકોને એકથી બીજા રેલ્વે નેટવર્ક તરફ ટ્રાન્સફર થવાની ઝંઝટમાંથી છૂટકારો મળશે. લોકો એક જ દેશમાં જે રીતે એક ટ્રેનમાં પ્રવાસ કરે છે તે જ રીતે હવે સમગ્ર યુરોપમાં એક ટ્રેનથી પ્રવાસ કરી શકશે.