યુરોપિયન દેશો વેક્સિન પર પેટન્ટ છોડોઃ મોદીની અપીલ

Tuesday 11th May 2021 15:30 EDT
 
 

નવી દિલ્હીઃ ભારતે અમેરિકા પછી હવે યુરોપિયન દેશોને કોરોનાની રસીને બૌદ્ધિક સંપત્તિ પેટન્ટથી મુક્તિ આપવા આહ્વાન કર્યું છે. ભારતનું કહેવું છે કે આ મામલે યુરોપિયન યુનિયન (ઇયુ)નો અભિગમ આગામી દિવસોમાં સ્પષ્ટ થઇ જશે. ઈયુ સમિટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોવિડની સારવાર અને રસી માટે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુટીઓ)માં બૌદ્ધિક સંપત્તિ અધિકાર રાહતનું સમર્થન કરવા ઈયુ દેશોને અનુરોધ કર્યો છે.
ઇયુ પ્લસની બેઠકમાં ૨૭ દેશોના અધ્યક્ષો સાથે વડા પ્રધાનની વર્ચ્યુઅલ મીટિંગમાં મુક્ત વ્યાપાર સમજૂતી પર ચર્ચા અંગે સંમતિ સધાઇ હતી. બેઠકમાં કોવિડ સહયોગ, પરસ્પર વ્યાપાર વધારવા, પર્યાવરણ સુરક્ષા, આતંકવાદ ઉપરાંત અન્ય જલદ મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ હતી. વડા પ્રધાન આ સમિટમાં ખાસ આમંત્રિત હતા. કોવિડ સંકટ બેઠકમાં ચર્ચાનું કેન્દ્રબિંદુ રહ્યું હતું. ભારતે ઈયુ દેશોની તરફથી અપાઇ રહેલી સહાય માટે પણ આભાર વ્યક્ત કર્યો હતો.
ભારત અને યુરોપિયન યુનિયને એક સંયુક્ત નિવેદનમાં કહ્યું કે નવા પડકારોને પહોંચી વળવા માટે એકસંપ થવું જરૂરી છે. સાથે ગ્રીન એન્ડ ક્લીન એનર્જી પર સાથે મળીને કામ કરવું જરૂરી છે. આ બેઠકમાં કહેવામાં આવ્યું હતું કે ભારત અને ઇયુ યુનાઇટેડ નેશન્સ અને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના નિયમોને ધ્યાનમાં રાખી સાથે મળીને કામ કરશે.
ઈયુના સભ્ય દેશોએ કહ્યું કે યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલમાં ભારત ૨૦૨૧થી ૨૦૨૨ સુધી સભ્ય છે. યુનાઈટેડ નેશન હ્યુમન રાઈટ્સ કાઉન્સિલમાં ૨૦૧૯થી ૨૦૨૧ સુધી ભારત સભ્ય છે જ્યારે ૨૦૨૩માં જી-૨૦નું અધ્યક્ષપદ ભારત પાસે રહેવાનું છે. આનાથી યુરોપિયન યુનિયન અને ભારતની વચ્ચે સહયોગ વધશે. ઉલ્લેખનીય છે કે મુક્ત વ્યાપાર સમજૂતી પર સંવાદ શરૂ કરવાની સહમતીને મોટી સિદ્ધિ માનવામાં આવે છે. ભારત પોતાના હિતોને ધ્યાનમાં રાખીને આગળ વધી રહ્યું છે. હવે જલદી આ સંદર્ભે વાતચીત શરૂ થશે. સાથે સાથે જ રોકાણ અને સંપર્કની સીમા પણ ભારત અને ઈયુ વચ્ચે વધશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter