યોવેરી મુસેવેની સતત સાતમી ટર્મ માટે પ્રમુખપદે ચૂંટાયા

Wednesday 21st January 2026 05:36 EST
 
 

કમ્પાલાઃ યુગાન્ડાના 81 વર્ષીય પ્રમુખ યોવેરી કાગુટા મુસેવેનીએ સતત સાતમી મુદત માટે ચૂંટાઈ આવીને ઈતિહાસ સર્જ્યો છે. તેમણે 71.6 ટકા મત મેળવ્યા હતા જ્યારે તેમના 43 વર્ષીય મુખ્ય હરીફ બોબી વાઈન (રોબર્ટ ક્યાગુલાન્યી)ને 24 ટકા મત મળ્યા હોવાનું ઈલેક્શન કમિશને જાહેર કર્યું હતું. 15 જાન્યુઆરીએ યોજાએલી ચૂંટણીનું પ્રાથમિક પરિણામ 17 જાન્યુઆરીએ જાહેર કરાયું હતુ. દરમિયાન, વિપક્ષી નેતા બોબી વાઈને પરિણામોને બનાવટી ગણાવી શાંતિપૂર્ણ વિરોધની હાકલ કરવા સાથે પોલિંગ સ્ટાફના સભ્યોના અપહરણ સહિત ગેરરીતિઓનો પણ આક્ષેપ લગાવ્યો હતો. બીજી તરફ, દેશમાં 13 જાન્યુઆરીથી લદાયેલો ઈન્ટરનેટ બ્લેકઆઉટ અંશતઃ દૂર કરાયો હતો, પરંતુ સોશિયલ મીડિયા માટે યથાવત રહ્યો હતો.

યુગાન્ડામાં 1986થી શાસન કરી રહેલા ચૂંટણીપ્રચારમાં મુસેવેનીએ દેશમાં સ્થિરતા અને વિકાસની ગતિ પર જોર આપ્યું હતું જ્યારે યુવાવર્ગમાં ભારે સપોર્ટનો દાવો કરતા વાઈને ભ્રષ્ટાચાર સામે જંગ અને વ્યાપક સુધારાઓની ખાતરી ઉચ્ચારી હતી. જોકે, વાઈનને બીજી વખત પણ સફળતા સાંપડી નથી. પ્રમુખપદના અન્ય છ ઉમેદવારોને કુલ 2 ટકા જેટલા મત હાંસલ થયા હતા. 21.6 મિલિયન રજિસ્ટર્ડ મતદારોમાંથી 52.5 ટકાએ મતદાન કર્યું હતું.

પોલીસ અને આર્મીના દરોડામાંથી નાસી છૂટ્યોઃ બોબી વાઈન

લોકપ્રિય પોપસ્ટાર અને સંગીતકારમાંથી રાજકારણી બનેલા વિપક્ષી નેતા બોબી વાઈને જણાવ્યું હતું કે વિવાદાસ્પદ મતદાન દરમિયાન તેમના ઘર પર દરોડા પડાયા હતા, પરંતુ તેઓ સફળતાપૂર્વક નાસી છૂટ્યા હતા. વાઈને X પરની પોસ્ટમાં જણાવ્યું હતું કે મિલિટરી અને પોલીસે મુસેવેનીને વિજેતા જાહેર કરાયા તે પહેલા શુક્રવારે તેમના ઘર પર દરોડો પાડ્યો હતો, પરંતુ તેઓ નાસી છૂટ્યા હતા. તેમણે પાવર બંધ કરી દીધો હતો અને કેટલાક CCTV કેમેરાઓને કાપી નખાયા હતા. તેમની પત્ની અને પરિવારના અન્ય સભ્યોને હાઉસ એરેસ્ટમાં રખાયા હતા. તેમની નેશનલ યુનીટી પ્લેટફોર્મ (NUP) પાર્ટી દ્વારા દાવો કરાયો હતો કે બોબી વાઈનને બળજબરી સાથે આર્મી હેલિકોપ્ટરમાં લઈ જવાયા હતા. જોકે, યુગાન્ડાની પોલીસે જણાવ્યું હતું કે વાઈનની ધરપકડ કરાઈ ન હતી પરંતુ અશાંતિ ન સર્જાય તેના સાવચેતીના પગલા લઈ વિસ્તારમાં અવરજવર નિયંત્રિત કરી દેવાઈ હતી.

ઈન્ટરનેટ સેવા અંશતઃ શરૂ કરાઈ

સત્તાવાળાઓ દ્વારા દેશમાં 13 જાન્યુઆરીથી બંધ કરાયેલી ઈન્ટરનેટ સેવા શનિવારથી રાતથી અંશતઃ ચાલુ કરવામાં આવી છે. કંપનીઓ બિઝનેસીસ માટે ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકશે. જોકે, સોશિયલ મીડિયા માટેનો બ્લેકઆઉટ યથાવત છે. કેટલાક ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર્સ દ્વારા મહકોને સંદેશો મોકલ્યો હતો કે સોશિયલ મીડિયા સિવાયની સેવા ચાલુ કરવા રેગ્યુલેટર દ્વારા આદેશ કરાયો છે. અગાઉ, યુગાન્ડા કોમ્યુનિકેશન્સ કમિશને જણાવ્યું હતું કે ગેરમાહિતી, ખોટી માહિતી, ઈલેક્ટોરલ ફ્રોડ અને સંબંધિત જોખમોના કારણે ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે. આફ્રિકન યુનિયનની ઈલેક્શન ઓબ્ઝર્વર ટીમ અને અન્ય પ્રાદેશિક બ્લોક્સ દ્વારા ઈલેક્શનમાં આર્મીની સંડોવણી અને ઈન્ટરનેટ બંધ કરવાના નિર્ણયની જોરદાર ટીકા કરી હતી.

મુસેવેનીએ 1986માં સત્તા હાંસલ કરી હતી અને હાલ આફ્રિકામાં સૌથી લાંબુ શાસન કરનારા ત્રીજા વડા છે. જો તેઓ 2031માં પૂર્ણ થનારી આ સાતમી મુદતના ગાળામાં લગભગ અડધી સદીનું શાસન ભોગવશે.

બાયોમેટ્રિક વોટર મશીન ખોટકાયાં

ચૂંટણીની ગેરરીતિના આક્ષેપોમાં બાયોમેટ્રિક વોટર આઈડી મશીનોની નિષ્ફળતાનો પણ સમાવેશ થાય છે. રાજકીય વિરોપક્ષોના ભારે જનાધારવાળા શહેરોમાં મશીનો ખોટકાતાં મતદાનમાં વિલંબ જોવા મળ્યો હતો. મતદાન છેતરપીંડી અને ગેરરીતિના આક્ષેપો નિવારવા લોકશાહીતરફી એક્ટિવિસ્ટોએ બાયોમેટ્રિક વોટર આઈડી મશીનોનાં ઉપયોગની તરફેણ કરી હતી. આ પછી, ચૂંટણી અધિકારીઓએ મેન્યુઅલ મતદારયાદીઓનો ઉપયોગ કર્યો હતો. મુસેવેનીએ મેન્યુઅલ વોટર રજિસ્ટરના ઉપયોગને બહાલી આપી હતી. બોબ વાઈને સત્તાધારી પાર્ટીની તરફેણ અને મોટા પાયે બેલેટ પેપર્સ નખાયા હોવાના આક્ષેપો કર્યા હતા. જોકે, આફ્રિકન યુનિયનના નીરિક્ષકોએ ‘બેલેટ સ્ટફિંગ’ના કોઈ પુરાવા ન હોવાનું જણાવ્યું હતું.

છૂટીછવાઈ હિંસાઃ સાતના મોત

ઈન્ટરનેટ શટડાઉન અને ફ્રોડના આક્ષેપો છતાં ચૂંટણી મોટા ભાગે શાંતિથી પસાર થઈ હતી. સેન્ટ્રલ યુગાન્ડામાં પોલીસ અને વિપક્ષ વચ્ચે અથડામણ થઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે વિપક્ષી ‘ગુંડાઓ’ સામે સ્વબચાવમાં પોલીસે ગોળીબાર કરતા સાત લોકોના મોત નીપજ્યા હતા અને ત્રણને ઈજા થઈ હતી. જોકે વિપક્ષી સાસદ મુવાન્ગા કિવુમ્બીએ આ બચાવ ફગાવતા કહ્યું હતું કે સિક્યુરિટી દળોએ તેના ઘરમાં 10 લોકોને મારી નાખ્યા હતા. વાઈને હિંસામાં 21 લોકોના મોતનો દાવો કર્યો હતો.

યુગાન્ડાની ચૂંટણીઓ અવિશ્વસનીય

રાઈટ્સ મોનિટર ફ્રીડમ હાઉસ દ્વારા યુગાન્ડામાં નિયમિતપણે ચૂંટણીઓ યોજાતી હોવાં છતાં, ચૂંટણીઓને અવિશ્વસનીય ગણાવાઈ હતી. યુગાન્ડાએ છ દાયકા અગાઉ બ્રિટિશ સંસ્થાવાદમાંથી આઝાદી મેળવી હોવાં છતાં સત્તાનું શાંતિપૂર્ણ હસ્તાતંરણ થયું નથી. બળવાખોર નેતા તરીકે સત્તા પર આવેલા મુસેવેનીએ સત્તાને જાળવી રાખવા બંધારણમાંથી સત્તાની ટર્મ અને વયમર્યાદાને દૂર કરવા સહિત કાયદાઓમાં ફેરફાર કરાવ્યા હતા. તેમણે વિપક્ષી વિરોધીઓને જેલભેગા પણ કરાવ્યા હતા.

પરિણામો મુદ્દે ધમકીઓ મળીઃ ઈલેક્શન ચીફ

યુગાન્ડાના ઈલેક્શન વડા સિમોન બીઆબાકામાએ સ્પષ્ટ કર્યું હતું કે ચોક્કસ ઉમેદવારના વિજયની જાહેરાત નહિ કરાય તો જોવાનું થશે તેવી ધમકીઓ તેમને અપાઈ હતી. તેમણે આ સંદર્ભે કહ્યું હતું કે ચૂંટણી પરિણામ મતદારો નક્કી કરે છે, ધમકીઓ નહિ. એક વાઈરલ વીડિયોમાં જણાવાયું હતું કે ઈલેક્ટોરલ કમિશન વિપક્ષી ઉમેદવાર રોબર્ટ ક્યાગુલાન્યી વિજેતા બનશે તો પણ તેમને કદી વિજેતા જાહેર નહિ કરે.

જનાદેશ લોકોના વિશ્વાસનું પ્રતીક

પ્રેસિડેન્ટ યોવેરી કાગુટા મુસેવેનીના ચૂંટણીવિજયને બિરદાવતાં યુગાન્ડાના યુકેસ્થિત હાઈ કમિશનર અને આયર્લેન્ડ માટેના એમ્બેસેડર નિમિષા જયંત માધવાણીએ જણાવ્યું હતું કે,‘યુગાન્ડા હાઈ કમિશનના અધિકારીઓ અને સ્ટાફ વતી અમે 2026ના જનરલ ઈલેક્શનમાં આપ નામદારના ભવ્ય વિજય માટે અમે હાર્દિક અભિનંદન પાઠવીએ છીએ.’ તેમણે ઉમેર્યું હતું કે, ‘ આ જનાદેશ આપના વિઝનરી નેતૃત્વમાં યુગાન્ડાના લોકોના વિશ્વાસનું પ્રતિબિંબ, પાન-આફ્રિકિનિઝમ, દેશભક્તિ તેમજ દેશમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ પ્રતિ સમર્પણની પ્રતિબદ્ધતા દર્શાવે છે.’ તેમણે ચૂંટણીપ્રક્રિયાને પણ બિરદાવી હતી. સંપૂર્ણ સમર્થનનો પુનરુચ્ચાર કરતાં તેમણે જણાવ્યું હતું કે,‘ વિદેશમાં યુગાન્ડાના પ્રતિનિધિઓ તરીકે અમે ઈન્વેસ્ટમેન્ટને વધારી, વેપારી ભાગીદારીઓ મજબૂત બનાવી તેમજ યુગાન્ડાની બાયોડાઈવર્સિટી અને ટુરિઝમ ક્ષમતાને પ્રદર્શિત કરી વિઝન 2040ને આગળ વધારવા ઉત્સુક છીએ.’

મીના ખગ્રામ OGW એ જણાવ્યું હતું કે,‘યુગાન્ડાના પ્રેસિડેન્ટ મુસેવેનીએ ચૂંટણી જીતી લીધી છે. 1972માં એશિયનોની હકાલપટ્ટી કરાઈ હતી ત્યારે મોટા ભાગના યુગાન્ડાની ચમક ઓસરી ગઈ હતી, દુકાનો અને શાળાઓ બંધ હતી, ઉત્સવો અટકી ગયા હતા અને દેશ ગરીબ બની ગયો હતો. જોકે, મંદિરોની સારી સંભાળ લેવાતી હતી. મુસેવેનીએ પાછળથી આર્થિક બેહાલીને ધ્યાનમાં લઈ હકાલપટ્ટી કરાયેલા એશિયનોને પાછા ફરવા જણાવ્યું, તેમની પ્રોપર્ટીઝ, ફેક્ટરીઝ, દુકાનો અને ફાર્મ્સ પુનઃસ્થાપિત કરાવ્યા અને તેમની સલામતી સુનિશ્ચિત કરી.આજે યુગાન્ડામાં નોંધપાત્ર એશિયન વસ્તી છે. સુધીરભાઈ રુપારેલિઆ, મહેતાઝ અને માધવાણી જેવા પ્રભાવશાળી વ્યક્તિત્વો સાથે દીર્ઘકાલીન પાર્ટનરશિપ્સથી દેશના પુનર્નિર્માણમાં મદદ મળી છે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter