નાઈરોબીઃ ગુજરાતમાં ગૃહિણીઓ વર્ષોથી જૂના કપડાં વેચીને બદલામાં વાસણ લેવાની પ્રથામાં માનતી આવી છે. જોકે, કેન્યામાં ફેશન ડિઝાઈનર્સ ‘વેસ્ટમાંથી બેસ્ટ’ના સૂત્રને સાકાર કરતાં નકામા વસ્ત્રોમાંથી ફેશનેબલ અને ડિઝાઇનર વસ્ત્રો બનાવી રહ્યા છે. એટલું જ નહીં, નાઈરોબીના સૌથી મોટાં ઓપન-એર માર્કેટ ગિકોમ્બામાં ફેશન મોડેલ્સ આવાં વસ્ત્રોનું પ્રદર્શન પણ કરે છે.
દર વર્ષે યુરોપ, અમેરિકા ઉપરાંત દુનિયાભરમાંથી હજારો ટન વપરાયેલા વસ્ત્રો કેન્યામાં ઠલવાય છે. યુએસસ્થિત મેસેચ્યુસેટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (MIT)ના અભ્યાસ મુજબ 2023માં કેન્યાએ આફ્રિકામાં સેકન્ડ-હેન્ડ વસ્ત્રોના સૌથી મોટા આયાતકાર તરીકે નાઈજિરિયાને પાછળ રાખી દીધું હતું. કેન્યાએ 2023માં 298 મિલિયન ડોલરની કિંમતના 197,000 ટન સેકન્ડ-હેન્ડ વસ્ત્રોની આયાત કરી હતી. સેન્ટ્રલ નાઈરોબી નજીક 5 એકરમાં ફેલાયેલાં અને શહેરના મહત્ત્વના આર્થિક કેન્દ્ર બનેલાં ગિકોમ્બા માર્કેટમાં આવાં વસ્ત્રોની હજારો ગાંસડીઓ ઠલવાય છે. આવી ગાંસડીઓમાં એક સમયે નકામા કે વેચાણ ન કરી શકાય તેવા ગણાવી ફેંકી દેવાયેલાં વસ્ત્રોને નવા સ્વરૂપે પ્રસ્તુત કરતા મોડેલ્સને નિહાળવા વેપારીઓ અને યુવાનો સહિતના લોકો ઉમટે છે. ગિકોમ્બા રનવે એડિશનમાં 25 વર્ષીય ‘અપસાઈકલિંગ’ સ્પેશિયાલિસ્ટ મોર્ગન એઝેડી સહિત યુવાન, ઓછા જાણીતા કેન્યન ડિઝાઈનર્સ અને સ્ટાઈલિસ્ટ્સ પહેલી વખત સાથે આવ્યા હતા. આ શો પહેલા એઝેડીએ તેના સિંગલ રૂમના ઘરમાં નવતર વસ્ત્રોને આખરી ઓપ આપ્યો હતો. તેના કલેક્શનમાં સ્ટ્રીટવેર ડેનિમ્સ તેમજ ડમ્પસાઈટ્સ અને ફેશનમાં રિજેક્ટ રિસાઈકલ્ડ લેધરમાં તૈયાર કરાયેલા વસ્ત્રોનો સમાવેશ થયો હતો.
વપરાયેલાં વસ્ત્રોની ભરમાર
સેકન્ડ-હેન્ડ વસ્ત્રોની રેલમછેલ સમગ્ર ઈસ્ટ આફ્રિકાના પોર્ટ હેન્ડલર્સથી માંડી વેપારીઓ સહિત હજારો લોકો માટે રોજગારીનું સાધન બન્યા છે. આ વસ્ત્રો લોકોને પોસાય તેવા દરે વસ્ત્રો પૂરાં પાડે છે. આઠ પ્રાદેશિક દેશોની બનેલી ધ ઈસ્ટ આફ્રિકન કોમ્યુનિટીએ સ્થાનિક કાપડ ઉત્પાદનને વધારવા 2016માં સેકન્ડ-હેન્ડ વસ્ત્રોની આયાત પર પ્રતિબંધ માટે પ્રયાસ કર્યો હતો, પરંતુ યુએસના રિસાઈકલિંગ લોબીઈસ્ટોના વિરોધ સામે તેમનું ચાલ્યું નહિ. અમેરિકી સરકારે લલચામણી વેપારસંધિમાંથી ઈસ્ટ આફ્રિકન દેશોને હાંકી કાઢવા ધમકી આપતાં રવાન્ડા સિવાય કેન્યા, ટાન્ઝાનિયા, યુગાન્ડા અને અન્ય દેશોએ પીછેહઠ કરી હતી. કેન્યાના ફેશન ડિઝાઈનર્સ માટે ડમ્પસાઈટ્સ પર ફેંકી દેવાયેલા વસ્ત્રોના પહાડ કળાત્મક ખજાના સમાન છે કારણ કે નવું કાપડ ખરીદવું ઘણું ખર્ચાળ છે. અતિ પહોળાં, ઓવરસાઈઝ ડેનિમ ટ્રાઉઝર્સમાંથી નવાં જેકેટ, ટ્રાઉઝર્સ બનાવી રનવેમાં પ્રદર્શિત કરાય છે. ગત વર્ષે બર્લિન ફેશન વીકમાં એઝેડીના વસ્ત્રોના નવાં અવતારને બિરદાવાયા હતા.


