રશિયા આફ્રિકાનો બહેતર અને શ્રેષ્ઠ સાથીઃ મોસ્કો સમિટમાં પુતિન

Wednesday 18th November 2026 05:49 EST
 

મોસ્કો, જોહાનિસબર્ગઃ રશિયાની રાજધાની મોસ્કોમાં યોજાએલી સમિટમાં પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિને આફ્રિકન નેતાઓને જણાવ્યું હતું કે સંસ્થાનવાદી પશ્ચિમી દેશોની સરખામણીએ રશિયા આફ્રિકાનું બહેતર અને શ્રેષ્ઠ સાથી અને પાર્ટનર છે. બે દિવસના મોસ્કો સમિટમાં 22 આફ્રિકન નેતાઓ સહિત 48 દેશોના પ્રતિનિધિમંડળોએ ભાગ લીધો હતો.

પ્રેસિડેન્ટ પુતિને ત્રીજા રશિયા-આફ્રિકા સમિટમાં આક્ષેપસહ જણાવ્યું હતું કે સંસ્થાનવાદી પશ્ચિમ હજુ પણ આફ્રિકા ખંડના સંસાધનોનું શોષણ કરવા પ્રયત્નશીલ છે અને વિકાસને અવરોધવા ઋણનો ઉપયોગ કરી રહ્યા છે. સમિટમાં નેતાઓ વચ્ચે વેપાર, સુરક્ષા, શસ્ત્રો અને અનાજ સહિતના વિષયો પર ચર્ચામંત્રણાઓ થઈ હતી. પુતિને કહ્યું હતું કે રશિયાએ વર્ષના પ્રથમ નવ મહિનામાં આફ્રિકાને 13 મિલિયન મેટ્રિક ટન કૃષિપેદાશોની સપ્લાય કરી હતી. આશરે 40,000 આફ્રિકન્સ રશિયન યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરી રહ્યા છે.

પ્રથમ રશિયા-આફ્રિકા સમિટ 2019માં યોજાયો હતો અને રશિયા આફ્રિકામાં રાજકીય, આર્થિક અને લશ્કરી પ્રભાવ વધારવા પ્રયાસ કરી રહ્યું છે. રશિયાની સરકારી કંપનીઓ ઉત્ખનનથી માંડી પાવર જનરેશન સહિતાના ક્ષેત્રોમાં પોતાના હિતો વિસ્તારવા કાર્યરત છે. યુક્રેન સાથે રશિયાના યુદ્ધ બાબતે પશ્ચિમી દેશોના દબાણને ખાળવા રશિયા આફ્રિકન અને ગ્લોબલ સાઉથના નેતાઓ સાથે સંબંધો વધારી રહ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter