વોશિંગ્ટન: અયોધ્યાનાં રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની નોંધ વૈશ્વિક મીડિયામાં પણ લેવામાં આવી છે. લંડનસ્થિત સમાચાર એજન્સી રોયટર્સે લખ્યું છે કે મંદિરનું ઉદ્ઘાટન કોઇ ધાર્મિક ઉત્સવ કરતા લોકસભાની ચૂંટણીના પ્રચારની શરૂઆત લાગી રહ્યું છે. એવું લાગી રહ્યું છે કે વડાપ્રધાન એક રાજાની ભૂમિકામાં છે જે એક મોટો ધાર્મિક અનુષ્ઠાન કરી રહ્યા છે.
બીબીસી વર્લ્ડે લખ્યું છે કે 1992માં મસ્જિદના ધ્વંસ બાદ હિંસામાં 2000 લોકો માર્યા ગયા હતા, હવે તે મસ્જિદનું સ્થાન એક મંદિર લેશે. ટીકાકારોનું કહેવું છે કે બંધારણ મુજબ ભારત બિનસાંપ્રદાયિક છે જ્યાં સરકાર ધાર્મિક ઉત્સવ મનાવી રહી છે.
બ્રિટિશ બ્રોડકાસ્ટરે લખ્યું છે કે મોટા ધાર્મિક સંતોએ કહ્યું છે કે મંદિરનું કામ અધુરું છે તેથી ત્યાં પ્રાણપ્રતિષ્ઠા કરવી હિન્દુ ધર્મની વિરુદ્ધમાં છે.
રશિયાના અખબાર રશિયા ટુડેએ પોતાના રિપોર્ટમાં લખ્યું છે કે અયોધ્યામાં રામમંદિર બનવાથી શહેરની કાયાપલટ થઈ ગઈ છે. અયોધ્યામાં જમીનનો ભાવ વધી ગયો છે.
ઇકોનોમિક્સ ટાઇમ્સના રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે અયોધ્યામાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ 4બિલિયન ડોલરનો ખર્ચ કરવામાં આવ્યો છે. હોટેલ બનાવવા માટે એક ડઝનથી વધુ પરમિટ જારી કરવામાં આવી છે.
યુએઇના અખબાર ગલ્ફ ન્યૂઝે લખ્યું છે કે નરેન્દ્ર મોદી દ્વારા અયોધ્યામાં હિન્દુ મંદિરનું ઉદ્દઘાટન કરવું ભારત માટે સિમાચિહ્નરૂપ સાબિત થશે.
યુએસ બ્રોડકાસ્ટર એનબીસીએ લખ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક એવા હિન્દુ મંદિરનું ઉદ્દઘાટન કર્યું જે ધાર્મિક તંગદિલીનું પ્રતિક બની ગયું. આ ઉદ્ઘાટનથી અયોધ્યાની કાયાપલટ થશે અને પર્યટન વધશે.
અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સે લખેલા અહેવાલું હેડિંગ છેઃ મોદીએ એક વિશાળ મંદિરનું ઉદ્ઘાટન કર્યું, જે હિન્દુ ફર્સ્ટ ઇન્ડિયા તરફનું એક મોટું પગલું છે.
પાકિસ્તાને ઝેર ઓક્યું
અયોધ્યામાં રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા થતાં પાકિસ્તાન ભડક્યું હતું. પાકિસ્તાનના વિદેશ મંત્રાલય દ્વારા એક નિવેદન જાહેર કરીને જણાવવામાં આવ્યું હતું કે ભારતમાં હિન્દુત્વ વિચારધારાથી ધાર્મિક અને પ્રાંતની શાંતિ ડહોળાશે. મસ્જિદ તોડીને તે સ્થાને મંદિર બનાવવામાં આવ્યું જે ભારતની લોકશાહી પર કલંક સમાન છે. અયોધ્યાની જેમ જ મથુરા, વારાણસીની મસ્જિદો પણ ભય હેઠળ છે. પાકિસ્તાને આ નિવેદનમાં કહ્યું હતું કે અમે મસ્જિદ તોડીને રામ મંદિર બનાવવાની આ ઘટનાની ટીકા કરીએ છીએ.